ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર ગુજરાતમાં ફોટોયુક્ત મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા (SSR-2027) હાથ ધરવામાં આવશે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ પાત્ર નાગરિકો, ખાસ કરીને યુવા અને પ્રથમ વખતના મતદારોની નોંધણી સુનિશ્ચિત કરવાનો છે.

કાર્યક્રમ અંતર્ગત 12 નવેમ્બર, 2026ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ થશે. ત્યારબાદ 11 ડિસેમ્બર, 2026 સુધી દાવા અને વાંધા રજૂ કરી શકાશે. તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 4 જાન્યુઆરી, 2027ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.1 જાન્યુઆરી, 2027ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનારા યુવાનો મતદાર તરીકે નોંધણી માટે પાત્ર બનશે. આ ઉપરાંત, એપ્રિલ, જુલાઈ અને ઑક્ટોબર 2027માં 18 વર્ષ પૂર્ણ કરનારા યુવાનો માટે પણ અગાઉથી અરજી કરવાની સુવિધા રહેશે.નાગરિકો નવા નામની નોંધણી, નામ કમી કરવા તથા વિગતોમાં સુધારા માટે સંબંધિત ફોર્મ ભરીને Voter Service Portal અથવા ECINET મોબાઇલ એપ દ્વારા ઓનલાઇન અરજી કરી શકશે. વહીવટીતંત્ર દ્વારા તમામ પાત્ર નાગરિકોને મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવવા અને વિગતો ચકાસવા અપીલ કરવામાં આવી છે.