અડાજણ વિસ્તારના કોળી મહોલ્લામાં સર્જાય સમસ્યા
15 દિવસથી દુર્ગંધયુક્ત પીળું પાણી આવતા હાલાકી
બાળકોને સ્કિન એલર્જી અને ઝાડા-ઊલટીની સમસ્યા
સ્થાનિકોની વારંવારની રજૂઆત છતાં કોઈ ઉકેલ નહીં
સ્થાનિક કોર્પોરેટરો-અધિકારીઓના આંખ આડા કાન
સુરત શહેરના અડાજણ વિસ્તારના કોળી મહોલ્લામાં દુર્ગંધયુક્ત પીળું અને અત્યંત ગંદુ પાણી આવતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલ કોળી મહોલ્લામાં છેલ્લા 15 દિવસથી દુર્ગંધયુક્ત પીળું અને અત્યંત ગંદુ પાણી આવતા સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સવારે પાણી આવે ત્યારે 8 વાગ્યા સુધી એટલું દૂષિત પાણી હોય છે કે, ડોલમાં હાથ નાખવો પણ અસહ્ય બની જાય છે.
સ્થાનિક મહિલાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યુ કે, તંત્રમાં વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ કોર્પોરેટર કે, અધિકારી સ્થિતિ જોવા આવ્યા નથી. માત્ર પાણી ગરમ કરીને પીવાની સલાહ આપવામાં આવે છે. એટલું જ નહીં, દૂષિત પાણીના સતત વપરાશના કારણે વિસ્તારના નાના બાળકોના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે.
બાળકોમાં ચામડીની તકલીફો ઉપરાંત ઝાડા, ઊલટી અને પેટના દર્દની ફરિયાદો પણ વકરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત મહાનગરપાલિકા કરોડો રૂપિયાનું બજેટ ધરાવે છે, અને નાગરિકોને શુદ્ધ પાણી આપવાના દાવા કરે છે, પરંતુ વાસ્તવિકતા ચિંતાજનક છે.
