મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં મંગલવારે સવારે ઓટો રિક્ષા અને બસ વચ્ચે અકસ્માતમાં 13 લોકોના મૃત્યુ થયા છે. મૃતકોમાં ઓટો રિક્ષાનો ડ્રાઇવર અને તેમાં બેઠેલી 12 મહિલાઓનો સમાવેશ છે. તમામ મહિલાઓ આંગણવાડીમાં સ્કૂલનાં બાળકો માટે રસોઇ બનાવી પરત ફરી રહી હતી. અકસ્માતમાં 9 મહિલા અને ઓટો રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. ઇજાગ્રસ્ત અન્ય ત્રણ મહિલાઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેઓને પણ મૃત જાહેર કરવામાં આવી હતી.
રિક્ષા ગ્વાલિયરના મુરૈના રોડ પર ચમન પાર્ક તરફ જઈ રહી હતી, જ્યારે બસ મુરૈનાથી ગ્લાલિયર આવી રહી હતી. ઘટના આનંદપુર ટ્રેસ્ટ હોસ્પિટલ સામે થઈ હતી. સ્થાનિક લોકોની માહિતીના આધાર પર જૂની છાવણી પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મૃતકોમાં 9 લોકોની ઓળખ થઈ શકી છે. દરેક મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. આ કેસમાં ગ્વાલિયર RTO એપીએસ ચૌહાણને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રી શિવારાજસિંહે મૃતકોના પરિવારને રૂપિયા 4-4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે.