અમેરિકામાં શુક્રવારે એર ટ્રાફિક કંટ્રોલની ટેલિકોમ્યુનિકેશન સેવામાં સર્જાયેલી ગંભીર ટેક્નિકલ ખામીના કારણે સમગ્ર દેશમાં મોટી હવાઈ કટોકટી સર્જાઈ હતી. યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનએ સુરક્ષાના કારણોસર અચાનક જ દેશવ્યાપી ‘ગ્રાઉન્ડ સ્ટોપ’ લાગુ કરીને તમામ એરપોર્ટ પર વિમાનોની અવરજવર અસ્થાયી રૂપે રોકી દીધી હતી. જોકે, લગભગ ચાર કલાકની જહેમત બાદ આ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે અને સેવાઓ ધીમે-ધીમે સામાન્ય થઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, 22 જેટલા એર રૂટ ટ્રાફિક કંટ્રોલ સેન્ટર્સમાં સંચાર સંબંધિત સમસ્યા સર્જાવાને કારણે આ અસાધારણ પગલું ભરવું પડ્યું હતું. પરિવહન સચિવ સીન ડફીએ જણાવ્યું કે ગ્રાઉન્ડ સ્ટોપના નિયમ હેઠળ જમીન પર રહેલા વિમાનોને ઉડાન ભરવાની મંજૂરી નહોતી, જ્યારે હવામાં રહેલા વિમાનોને સુરક્ષિત લેન્ડિંગની છૂટ અપાઈ હતી. ફ્લાઇટઅવેરના આંકડા મુજબ આ ટેક્નિકલ ખરાબીના કારણે અંદાજે 11 હજારથી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી અને હજારો મુસાફરો એરપોર્ટ પર ફસાઈ ગયા હતા.
અમેરિકી ગૃહ સુરક્ષા સચિવ માર્કવેન મુલિન અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે આ ઘટના પાછળ કોઈ સાયબર હુમલો કે માઈક્રોસોફ્ટની સેવામાં ખામી હોવાના કોઈ સંકેત નથી.11 સપ્ટેમ્બર 2001ના આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં ગ્રાઉન્ડ સ્ટોપ લાગુ થવાની આ માત્ર બીજી મોટી ઘટના છે. અગાઉ જાન્યુઆરી 2023માં નોટામ સિસ્ટમમાં ખરાબીને કારણે આવી સ્થિતિ સર્જાઈ હતી.આ વૈશ્વિક વિમાનન સંકટની અસર આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પણ જોવા મળી હતી.
