ભચાઉ નજીક ઓરિએન્ટલ ફાઉન્ડ્રીમાં ભીષણ આગ
ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી
ટ્રેન મટીરિયલ બનાવતી કંપનીમાં આગનું રૌદ્ર સ્વરૂપ
5 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ
ભચાઉ ફાયર બ્રિગેડની સતર્કતાથી મોટી હોનારત ટળી
કચ્છના ભચાઉ નજીક આવેલી જાણીતી ઓરિએન્ટલ ફાઉન્ડ્રીમાં વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી.ચોપડવા ગામ પાસે આવેલી આ કંપનીમાં આગ લાગતાં જ સ્થળ પર અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો.
કચ્છના ભચાઉના ચોપડવા ગામ પાસે આવેલી ઓરિએન્ટલ ફાઉન્ડ્રીમાં વહેલી સવારે અચાનક જ રો-મટીરિયલમાં આગ લાગી ગઈ હતી. જોતજોતામાં આ આગે અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી ઝડપથી ફેલાઈ કે ફેક્ટરીમાં મુકેલા ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર સુધી પહોંચી ગઈ હતી.
ટ્રાન્સફોર્મરના ઓઇલમાં આગ પકડાતાં જ આગે વધુ રૌદ્ર સ્વરૂપ લીધું હતું અને જોરદાર બ્લાસ્ટ થયો હતો. ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતાં જ સ્થળ પર હાજર કર્મચારીઓ અને આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ ભચાઉ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. સતત 5 કલાકની ભારે જહેમત અને કડક કામગીરી બાદ આખરે આ ભીષણ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.
ઉલ્લેખનીય છે કે, આ ઓરિએન્ટલ ફાઉન્ડ્રી કંપનીમાં ભારતીય ટ્રેન માટેના ખાસ મટીરિયલનું ઉત્પાદન કરવામાં આવે છે. ફાયર ટીમની સમયસરની કામગીરી અને સતર્કતાના કારણે કંપનીનો અંદાજે 70 ટકા જેટલો હિસ્સો બચાવી લેવાયો છે, જેનાથી એક મોટી આર્થિક અને મોટી દુર્ઘટના અટકી ગઈ છે. સદનસીબે ફાયર ફાઇટરોની કલાકોની કામગીરી બાદ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે. આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
