અંકલેશ્વરમાંથી મળી સગીરા
પરિણીત પ્રેમી સાથે ભાગી આવી હતી
ત્રિપુરા પોલીસ કરી રહી હતી તપાસ
મોબાઈલ લોકેશનમાં ખુલ્યુ રહસ્ય
ત્રિપુરા પોલીસ બન્નેને સાથે લઈ ગઈ
ઇન્સ્ટાગ્રામ મારફતે થયેલા સંપર્ક બાદ ત્રિપુરાની એક સગીરા મહારાષ્ટ્રના જલગાંવના પરિણીત યુવક સાથે અંકલેશ્વર આવી પહોંચતાં પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી. મોબાઇલ લોકેશન અને કોલ ડિટેઇલ રેકોર્ડ (CDR)ના આધારે તપાસ કરતાં બંને અંકલેશ્વરમાં હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ ત્રિપુરા પોલીસની ટીમે અંકલેશ્વર GIDC પોલીસની મદદથી સગીરા અને યુવકને શોધી કાઢ્યાં હતાં.
ત્રિપુરાની સગીરાનો ઇન્સ્ટાગ્રામ મારફતે મહારાષ્ટ્રના જલગાંવના યોગેશ મધુરકર સાવલે સાથે સંપર્ક થયો હતો. યુવક પરિણીત હોવાનું અને હાલ પુણેમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. યુવક સગીરાને પોતાની સાથે અંકલેશ્વર લઈ આવ્યો હતો, જ્યાં તેનો મોટો ભાઈ, ભાભી અને માતા રહે છે.બીજી તરફ, સગીરા અંગે તપાસ કરી રહેલી ત્રિપુરા પોલીસે મોબાઇલ લોકેશન અને CDRના આધારે યુવક સુધી પહોંચવા તપાસ શરૂ કરી હતી. ટેક્નિકલ તપાસ દરમિયાન બંને અંકલેશ્વરમાં હોવાનું જાણવા મળતાં ત્રિપુરા પોલીસે સ્થાનિક GIDC પોલીસનો સંપર્ક કર્યો હતો.આ અંગે જાણ થતાં અંકલેશ્વર GIDC પોલીસ મથકના PI આર.એમ. વસાવા પોલીસ ટીમ સાથે યુવકના ઘરે પહોંચ્યા હતા. પોલીસે યુવક અને સગીરાને પોલીસ મથકે લાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ ત્રિપુરા પોલીસને જાણ કરી સગીરાને તેમના હવાલે કરવામાં આવી હતી. ત્રિપુરા પોલીસની ટીમ બંનેને લઈને આગળની કાર્યવાહી માટે રવાના થઈ હતી.આ સમગ્ર તપાસમાં મોબાઇલ લોકેશન અને કોલ ડિટેઇલ રેકોર્ડ મહત્ત્વપૂર્ણ કડી સાબિત થયાં હતાં. ટેક્નિકલ તપાસ અને સ્થાનિક પોલીસની મદદથી ત્રિપુરા પોલીસ અંકલેશ્વર સુધી પહોંચી સગીરાને શોધી કાઢવામાં સફળ રહી હતી
