ભરૂચના દહેજનો બનાવ
કેતુલ કેમ કંપનીમાં આગ
ભીષણ આગ ફાટી નિકળતા દોડધામ
10 કામદારોનો બચાવ
ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ
ભરૂચના દહેજ સેઝ-2 મા આવેલી કેતુલ કેમ કંપનીમાં નવી પ્રોડક્ટની ટ્રાયલ વેળા સોલ્વન્ટના જથ્થામાં ભીષણ આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી.
દહેજ સેઝ 2માં આવેલી કેતુલ કેમ પ્રાઇવેટ કંપની સ્પેશ્યાલિટી કેમિકલ્સનું ઉત્પાદન કરે છે. સોમવારે રાતે કંપનીમાં નવી પ્રોડક્ટની ટ્રાયલ ચાલી રહી હતી. દરમિયાન સોલ્વન્ટના જથ્થામાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઇ હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરવા સાથે સમગ્ર પ્લાન્ટને ચપેટમાં લઈ લીધો હતો. સોલ્વન્ટના કારણે ફ્લેશ ફાયર થતા એક સમયે ભયનો માહોલ છવાયો હતો.જોકે સમયસૂચકતા વાપરી કંપનીમાં રહેલા 10 કર્મચારીઓ બહાર દોડી આવતા તેઓનો ચમત્કારી બચાવ થયો હતો.
ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઈટરો, દહેજ પોલીસ સ્થળ પર દોડી આવી હતી. ફાયર બ્રિગેડના 3 ટેન્ડરોએ એક કલાકની જહેમતે આગ પર કાબુ મેળવી લીધો હતો. ઘટના અંગે ઇન્ડસ્ટ્રિયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા તપાસ શરૂ કરાઇ છે. ફેકટરી ઇન્સ્પેકટર દિનેશ ગામીતે માહિતી આપી હતી કે, આગ પર કાબુ મેળવાય ગયો છે અને ઘટનામાં કોઈ જાનહાની કે ઇજા થઇ હતી. આગના કારણોની તપાસ ચલાવાય રહી છે.
