છોટુભાઈ પુરાણીની 141મી જન્મજયંતિ ઉજવણી
ગુજરાતમાં શારીરિક શિક્ષણના પિતામહનું મળ્યું છે બિરુદ
પુરાણી બંધુઓના પ્રદાન પર વિશેષ પુસ્તક લોન્ચ કરાયું
કાર્યક્રમમાં વ્યાયામ ક્ષેત્રના મહાનુભાવોનું કરાયું સન્માન
ધારાસભ્ય ડો.દર્શના દેશમુખની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો
ગુજરાતમાં શારીરિક શિક્ષણના પિતામહનું બિરૂદ મેળવનાર છોટુભાઈ પુરાણીની 141મી જન્મજયંતિની એકતા નગર ખાતે ખૂબ જ ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાતમાં શારીરિક શિક્ષણના પિતામહનું બિરૂદ મેળવનાર છોટુભાઈ પુરાણીની 141મી જન્મજયંતિની એકતા નગર ખાતે ખૂબ જ ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ગૌરવશાળી સમારોહ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખની ગરિમામય અધ્યક્ષતામાં યોજાયો હતો.
સ્વતંત્રતા સંગ્રામમાં હજારો યુવાનોને જોડનાર અને શારીરિક શિક્ષણને જીવનનું અભિન્ન અંગ બનાવનાર છોટુભાઈ પુરાણીએ ‘તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે’ આ સૂત્રને આજીવન સાર્થક કર્યું હતું. ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ રાજપીપળા અને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આ અદ્ભુત આયોજન હાથ ધરાયું હતું.
આ અવસરે, ગુજરાતમાં વ્યાયામ સંસ્કૃતિના વિકાસમાં મોટું યોગદાન આપનાર પુરાણી બંધુઓના જીવન અને કાર્યો પર આધારિત વિશેષ પુસ્તક ‘ગુજરાતમાં વ્યાયામ સંસ્કૃતિના વિકાસમાં પુરાણી બંધુઓનું પ્રદાન’ નું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ સાથે જ વ્યાયામ પ્રવૃત્તિમાં અત્યાર સુધી અમૂલ્ય સહયોગ આપનાર તમામ ટ્રસ્ટીઓ, હોદ્દેદારો, કોલેજના પૂર્વ પ્રિન્સિપાલો, પૂર્વ પ્રાધ્યાપકો અને હાલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ સહિત ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળના સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સમગ્ર ગુજરાતમાં વ્યાયામનો પ્રચાર-પ્રસાર વધે અને સૌ તંદુરસ્ત રહે તેવી મંગલ કામના વ્યક્ત કરાઈ હતી.
