મહેસાણા : કોરોના સંક્રમિત યુવાનનું ઓક્સિજનના અભાવે થયું હતું મૃત્યુ, જુઓ પછી ગ્રામજનોએ ક્યાં ઊભી કરી દીધી હોસ્પિટલ..!

New Update
મહેસાણા : કોરોના સંક્રમિત યુવાનનું ઓક્સિજનના અભાવે થયું હતું મૃત્યુ, જુઓ પછી ગ્રામજનોએ ક્યાં ઊભી કરી દીધી હોસ્પિટલ..!

એક તરફ કોરોનાના વધતા જતા કેસના કારણે હોસ્પિટલોમાં દર્દીઓ કીડીયારાની જેમ ઉભરાઈ રહ્યા છે, ત્યારે હવે કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં રાખવા માટે બેડ પણ ઉપલબ્ધ નથી થતા. તો બીજી તરફ ગ્રામ્ય કક્ષાએ વધતા કોરોના કેસના દર્દીઓને સ્થાનિક કક્ષાએ જ ઓક્સિજન બેડની સુવિધા મળી રહે તે માટે મહેસાણાના તરેટી ગામની પ્રાથમિક શાળામાં જ હોસ્પિટલ જેવી સુવિધા ઉભી કરવામાં આવી છે.

એક તરફ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે. તો બીજી તરફ મહેસાણા જિલ્લાની તરેટી ગ્રામ પંચાયત દ્વારા ગામની જ પ્રાથમિક શાળામાં હોસ્પિટલ જેવી સુવિધા ઉભી કરવામાં આવી છે. કોરોનાના કારણે હોસ્પિટલની બહાર લોકોની લાંબી કતારો લાગે છે. જેનો ઉપાય શોધતા મહેસાણાના તરેટી ગ્રામ પંચાયતના સરપંચ પીનાલ પટેલ અને ગામના યુવાનોએ ગામની જ શાળાના ઓરડામાં 5 બેડ તૈયાર કરી દીધા છે. જોકે, બેડ તો તૈયાર થયા હતા. પરંતુ ઓક્સિજન ફલો મીટરની અછત સર્જાતા મળતા ન હોતા. જે ગમે તેમ કરીને કુલ 5 જેટલા ઓક્સિજન સહિતના બેડ તૈયાર કરવામાં આવ્યા છે. જેથી ઓક્સિજનની અછતના કારણે કોઈનો પણ જીવ જોખમમાં ન મુકાય તેનું ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.

તરેટી ગ્રામ પંચાયત અને ગામના યુવાનોને સ્થાનિક કક્ષાએ જ ઓક્સિજન બેડ ઉભા કરવાનો વિચાર ત્યારે આવ્યો કે, જ્યારે ગામનો જ એક યુવાન ઓક્સિજનના અભાવે મૃત્યુ પામ્યો હતો. ગામના મહિલા સરપંચ અને યુવાનોએ નિર્ધાર કર્યો કે, જો ગામમાં જ ઓક્સિજન બેડ તૈયાર કરીએ તો શહેર સુધી ઓક્સિજનવાળા બેડ શોધવા જવું ન પડે અને કોઈનો જીવ બચી જાય. જેથી ગામની જ પ્રાથમિક શાળાના એક ઓરડામાં હાલમાં 5 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે.

Latest Stories