લાખણકા દરિયાકાંઠે ખાણ-ખનિજ વિભાગનો સપાટો
ડ્રોન સર્વેલન્સથી ગેરકાયદે રેતી ખનનનો પર્દાફાશ
ડ્રોન નજરે પડતા જ ભૂમાફિયા વાહનો મૂકીને ભાગ્યા
સમગ્ર ઘટનાના ડ્રોન કેમેરામાં કેદ થયા પુરાવા
માઇન્સ સુપરવાઇઝરે MMDR એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો
ભાવનગર ખાણ-ખનિજ ટીમ દ્વારા તટીય વિસ્તારમાં ડ્રોન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું, જે દરમિયાન લાખણકા ગામના દરિયાકાંઠે સાદી રેતીનું ગેરકાયદેસર રીતે ખનન અને વહન ચાલી રહ્યું હોવાનો મોટો પર્દાફાશ થયો હતો.
ભાવનગર જિલ્લાના થળસરથી લાખણકા ગામના દરિયાકાંઠા વિસ્તારમાં ગેરકાયદે ખનન અને વહનની પ્રવૃત્તિઓ સામે ખાણ-ખનિજ વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ખાણ-ખનિજ ટીમ દ્વારા આ સમગ્ર તટીય વિસ્તારમાં ડ્રોન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું, જે દરમિયાન લાખણકા ગામના દરિયાકાંઠે સાદી રેતીનું ગેરકાયદેસર રીતે ખનન અને વહન ચાલી રહ્યું હોવાનો મોટો પર્દાફાશ થયો હતો. ડ્રોન સર્વેલન્સમાં એક લોડર મશીન અને સોનાલીકા કંપનીનું ટ્રેક્ટર-ટ્રોલી ગેરકાયદે રેતી ભરી રહ્યા હોવાનું કેમેરામાં સ્પષ્ટપણે ઝડપાઈ ગયું હતું.
જોકે, આકાશમાં ડ્રોન કેમેરો જોઈ જતાં જ ગેરકાયદે ખનનમાં સંકળાયેલા વાહનચાલકો અને તત્વો મશીનરી અને વાહનો લઈને સ્થળ પરથી લાખણકા ગામ તરફ ભાગી છૂટ્યા હતા. ઘટના બાદ ખાણ-ખનિજ વિભાગની ટીમે સમગ્ર વિસ્તારમાં વિગતવાર શોધખોળ હાથ ધરી હતી, પરંતુ વાહનો હાથ લાગ્યા નહોતા. તેમ છતાં, ડ્રોનથી કેપ્ચર થયેલા હાઈ-રિઝોલ્યુશન વીડિયો ફૂટેજની બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી.
