• હાંસોટ અંકલેશ્વરની રાજનીતિમાં ગરમાવો

  • મંત્રી ઇશ્વરસિંહ પટેલના પ્રહાર

  • ભાઈ વલ્લભ પટેલ પર પ્રહાર કર્યા

  • કહ્યું તો હું રાજનીતિ છોડી દઈશ

ભરૂચના હાંસોટ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલ એ તેમના જ ભાઈ વલ્લભ પટેલ પર તીખા પ્રહાર કરતાં પરિવારવાદનો મુદ્દો ઉઠાવ્યો છે. વલ્લભ પટેલ તથા તેમના પરિવારના કુલ પાંચ સભ્યોએ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. આ મુદ્દે ઇશ્વરસિંહ પટેલે આક્ષેપ કર્યો કે, “વલ્લભદાસ પોતે હાંસોટનો રાજા હોય એમ પત્ની, પુત્રી, પુત્રવધુ અને પુત્ર પાસે પણ ફોર્મ ભરાવ્યા છે.”
તેમણે વધુમાં કોંગ્રેસ પર પણ નિશાન સાધતા જણાવ્યું કે, “કોંગ્રેસ પાસે ઉમેદવારો જ ન હતા, તેથી એક જ પરિવારના સભ્યોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.”
ઇશ્વરસિંહ પટેલે પોતાના ભાઈના કામકાજ પર પણ સવાલ ઉઠાવતા કહ્યું, “વલ્લભદાસે હાંસોટમાં એક પણ કામ કર્યું હોય તો બતાવે, હું રાજનીતિ છોડી દઈશ.” સાથે જ તેમણે દાવો કર્યો કે વલ્લભદાસ ભાજપમાં જોડાવા માટે ઉત્સુક હતા, પરંતુ વ્યક્તિગત લાલસાના કારણે તે શક્ય બન્યું નહીં.
આ નિવેદનોને કારણે હાંસોટ વિસ્તારમાં રાજકીય ગરમાવો વધ્યો છે. સ્થાનિક ચૂંટણી પહેલા જ વ્યક્તિગત અને પક્ષીય આક્ષેપો વચ્ચે ચૂંટણી વધુ રસપ્રદ બનવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.