મોદી સમર્થકની “નારાજગી” : માતા માટે હોસ્પીટલમાં બેડ ન મળતા ટ્વિટર પર ઠાલવી પોતાની વેદના

New Update
મોદી સમર્થકની “નારાજગી” : માતા માટે હોસ્પીટલમાં બેડ ન મળતા ટ્વિટર પર ઠાલવી પોતાની વેદના

પીએમ કેર ફંડને લઈને કરવામાં આવેલું એક ટ્વીટ હાલ વાયરલ થઈ રહ્યું છે. આ વખતે આ ટ્વીટ એક દિકરાએ પોતાની માતાની સારવાર માટે બેડ ન મળવાના કારણે કર્યું છે. એક મોદી સમર્થકે પોતાની માતાને ખોઈ બેસવાના દુઃખમાં મોદી સરકારને એક ટ્વીટ કર્યું છે.

વિજય પારિખ નામના આ વ્યક્તિએ પીએમ કેર ફંડમાં કરેલા પોતાના દાનનો સ્ક્રીનશોટ મુક્યો છે. અને જણાવ્યું છે કે, અઢી લાખ રૂપિયા ડોનેશન આપ્યા બાદ પણ તે પોતાની માતાને બચાવી ન શક્યો. જેમાં 2 લાખ 51 હજાર રૂપિયાનું ડોનેશન આપ્યા બાદ પણ હું મારી માતાને હોસ્પિટલ બેડ ન અપાવી શક્યો.

વિજય પારીખે વધુમાં જણાવ્યું હતું કે, હવે મારે કોરોનાની ત્રીજી લહેરમાં બર્થ રિઝર્વ કરાવવા માટે વધુ કેટલું ડોનેશન આપવું પડશે, જેથી હું મારા પરિવારના બીજા કોઈ સદસ્યને ખોઈ ન બેસુ. વિજય પારીખે આ ટ્વીટને પીએમઓ, રાજનાથ સિંહ, RSS, સ્મૃતિ ઈરાની અને અહીં સુધી કે, રાષ્ટ્રપતિ ભવનને પણ ટેગ કરીને કર્યું છે. ઘણા લોકો વિજય પારીખના આ ટ્વીટને લઈને દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. સાથે જ પીએમ કેર ફંડને લઈને સવાલ પણ કરી રહ્યા છે. વિજય પારિખે પણ ઘણા ટ્વીટ્સના જવાબ આપતા દેશહિતમાં ડોનેશન આપવાની વાત કહી હતી.

ઘણા લોકોએ તેમને જૂની ટ્વીટ પણ યાદ અપાવી જેમાં તે મોદી સરકારની પ્રશંસા કરી રહ્યા હતા. જોકે, ડોનેશનનું ટ્વીટ કરનાર વિજય પારિખ વર્ષ 2010થી ટ્વિટર પર છે. જેમાં તેઓ બીજેપી અને પીએમ મોદીના કાર્યને સમર્થન પણ કરી રહ્યા હતા. તે પીએમ મોદીના ટ્વીટ રીટ્વીટ પણ કરી રહ્યા હતા. નોટબંધી વખતે પણ તેમણે પીએમ મોદીના સમર્થનમાં ટ્વીટ કર્યું હતું. પણ કોરોનામાં માતાને સારવાર માટે બેડ ન મળતા તેમની વેદના બહાર આવી છે. આમ એક મોદી સમર્થકની નારાજગી બહાર આવતા આ ટ્વીટનો સ્ક્રિનશોટ ભારે ચર્ચાનો વિષય બન્યો છે.