મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાની હિમાયત કરતા મુકેશ અંબાણી

મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાની હિમાયત કરતા મુકેશ અંબાણી
New Update

ભારતની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને એક સમયે તેની માન્ય કરાયેલી ક્ષમતા કરતાં વધુ ઉત્પાદન કરવા બદલ દંડ ફટકારાયેલો, કંપનીના માલિક અને સૌથી ધનવાન ભારતીય મુકેશ અંબાણીએ સોમવારે કહ્યું હતું કે, દેશને આત્મનિર્ભર બનાવવા માટે તેઓ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાની હિમાયત કરે છે.

તેમણે કહ્યું હતું કે, "ટેક્નોલોજી સેક્ટરમાં અમે સ્ટાર્ટ-અપ છીએ, હું માનું છું કે ભારત નાના અને મધ્યમ કદના ઉદ્યોગસાહસિકોને સહાય કરવા માટે તૈયાર છે અને હવે તેમને વાસ્તવિક સ્ટાર્ટ અપ તરીકે આગળ લાવવાની જરૂર છે. આપણે ક્લિક્સ માટે જેટલું વિચારીએ છીએ એટલું જ નિર્માણની ઈંટો માટે પણ વિચારવાનું છે." એન. કે. સિંહના પુસ્તક 'પોટ્રેઇટ્સ ઓફ પાવર'ના વિમોચન પ્રસંગે બોલતાં શ્રી અંબાણીએ કહ્યું હતું કે, તેમના પિતા ધીરુભાઈએ લાંબા સમય પહેલા સવાલ કર્યો હતો કે શું દરેક ભારતીય અન્ય ભારતીય સાથે પોસ્ટકાર્ડના ખર્ચમાં વાત કરી શકે છે, ત્યારે જિયો તેમના સવાલનો જવાબ છે.

તેમણે જણાવ્યું હતું કે, "એક સ્કૂલ શિક્ષકના સંતાન એવા મારા પિતા વર્ષ 1960માં મુંબઈમાં તેમનું સપનું જીવવા માટે આવ્યા હતા. અને તેમના ખિસ્સામાં રૂ .1000 હતા ને સાથે એ વિશ્વાસ પણ હતો કે જો તમે ભવિષ્યના બિઝનેસમાં અને યોગ્ય પ્રતિભામાં રોકાણ કરો તો આપણે આપણું ભારતીય સપનું સાકાર કરી શકીએ છીએ, અને હું માનું છું કે આપણે વિશ્વની સૌથી મોટી એન્ટપ્રાઇઝ કે કંપનીઓનું સર્જન કરી જ શકીએ છીએ."

ધીરુભાઈની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આજે ભારતની સૌથી મૂલ્યવાન કંપની છે જે એનર્જીથી ટેક્સ્ટાઇલ, રિટેલ અને ટેલિકોમ ક્ષેત્ર સુધીનો વ્યાપ ધરાવે છે. ઉદારીકરણ પહેલાના પરમીટ યુગને ટાંકીને શ્રી અંબાણીએ કહ્યું હતું કે, "એક સમય હતો જ્યારે રિલાયન્સે માન્ય ક્ષમતા કરતાં વધુ ઉત્પાદન કરવા બદલ સરકારને કારણ દર્શાવવું પડતું હતું."

વર્ષ 1991માં આર્થિક સુધારા થયા બાદ આજે ભારત વધુ ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે. "આજે આપણે જે કંઈ કરીએ છીએ તેનો સીધો સંબંધ ઉત્પાદન અને વધુ ઉત્પાદન સાથેનો હોય છે. આ જ રીતે આપણી સઘળી માનસિકતા બદલાઈ છે," તેમ જણાવી તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી 1990 પછીના આર્થિક સુધારા ન થયા ત્યાં સુધી અમારે પોલિયેસ્ટરની 10000, 20000, 30000 ટનની ક્ષમતાનું સર્જન કરવા માટે સંઘર્ષ કરવો પડતો હતો.

અને આજે ભારત વિશ્વમાં પોલિયેસ્ટરનું ઉત્પાદન કરતાં ટોચના બે દેશોમાં સ્થાન ધરાવે છે, તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે, "કોવિડ કટોકટીના સમયગાળા દરમિયાન અમે શક્ય તેટલા સૌથી ઓછા સમયમાં PPEsનું ઉત્પાદન કરી શક્યા." ટેલિકોમ ક્ષેત્રમાં કંપનીના સાહસ અંગે તેમણે કહ્યું કે, અમારો મૂળ ઉદ્દેશ્ય કોલિંગને પોસ્ટકાર્ડ કરતાં પણ સસ્તું બનાવવાનો હતો.

"આજે કોલિંગ તદ્દન મફત છે. અને જેમ જેમ આપણે ભવિષ્ય તરફ કદમ માંડીશું, તેમ તેમ એ માત્ર લોકોને એકબીજા સાથે નહીં જોડે પરંતુ કરોડો વસ્તુઓને પણ જોડી આપશે," તેમ ભારપૂર્વક કહી શ્રી અંબાણીએ ઉમેર્યું કે, તેમની કંપની ભારતને ડિજિટલ સોસાયટીમાં પરિવર્તિત કરવા માટે પ્રયત્નશીલ છે જે ભવિષ્યની તમામ ઇન્ડસ્ટ્રીઝને એક તાંતણે સાંકળી લેશે.

તેમણે એમ પણ કહ્યું કે, આવનારા દાયકાઓમાં ભારતે અશ્મિજન્ય બળતણમાંથી સંપૂર્ણપણે પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉપયોગ તરફ વળી જવું પડશે અને "આત્મનિર્ભર" બનવું જ પડશે. ભારતના વિકાસમાં મહત્વનો ફાળો આપવો એ રિલાયન્સનો હેતુ એ છે અને આ પરિવર્તન થકી વિશ્વના વિકાસમાં પણ યોગદાન આપવામાં આવશે.

"વાસ્તવિક રીતે આટલું હાંસલ કરી જો હું મારી નાની ભૂમિકા અદા કરી શકું અને એવા સંસ્થાન ઊભા કરી શકું કે તેને સાતત્ય આપી શકે તો મેં મારી જવાબદારી પૂરી કરી ગણાશે. મને ખબર નથી કે હું સફળ થઈશ કે નહીં," તેમ જણાવી અંબાણીએ એમ પણ કહ્યું કે, "ભારતે મેન્યુફેક્ચરિંગ માટે પુનર્વિચાર કરવો પડશે અને તેનું માળખું ધરમૂળથી બદલવું પડશે." ભવિષ્યના ઉદ્યોગો અને સેવા ક્ષેત્રો માટેની સમગ્ર ઇકોસિસ્ટમ માટે આપણે વિચારવું પડશે.

#Delhi #Mukesh Ambani #Nita Ambani #Reliance #RIL #advocates for promotion of manufacturing
Here are a few more articles:
Read the Next Article