નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ગામના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી રૂ. 3.28 લાખથી વધુની કિંમતના વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.
આગામી તહેવારને ધ્યાનમાં રાખીને દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા નર્મદા જિલ્લા પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાગબારા તાલુકાના દેવમોગરા ગામમાં પોલીસે બાતમીના આધારે એક મકાનમાં દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, દેવમોગરા ગામમાં રહેતા અલ્પેશ દમણીયા વસાવા પોતાના મકાનમાં ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. જેવી બાતમીના આધારે સાગબારા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી મકાનમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન અલગ-અલગ બ્રાન્ડના ભારતીય બનાવટના વિદેશી દારૂના ક્વાર્ટર નંગ-1, 521 તેમજ બીયરના ટીન નંગ 120 મળી આવ્યા હતા. પોલીસે કુલ 1,641 નંગ બોટલ અને બીયર ટીન, અંદાજે 333.780 લીટર દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેની કુલ કિંમત રૂ. 3 લાખ 28 હજાર 200 જેટલી થાય છે. જોકે, દરોડા દરમિયાન આરોપી અલ્પેશ દમણીયા વસાવા સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો. જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી સાગબારા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સાગબારા પોલીસની આ કાર્યવાહીમાં ગેરકાયદેસર દારૂનો મોટો જથ્થો ઝડપાતા દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે.
