નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બે બસ વચ્ચે સર્જાયો અકસ્માત, ૨૫થી વધુ મુસાફરોને પહોચી ઈજા

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બે બસ વચ્ચે અકસ્માતમાં 25થી વધુ મુસાફરોને ઈજા પહોચી હતી જેઓને સારવાર અર્થે ગરુડેશ્વરની રેફરલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જન્માષ્ટમીના રોજ બપોરના સમયે બે ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવેલા પ્રવાસીઓની બસ પસાર થઇ રહી હતી તે દરમ્યાન આગળ ચાલતા બાઈક ચાલકને બચાવવા જતા અમદાવાદના પ્રવાસીઓની બસના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બસ પલટી મારી ગઈ હતી. આ દરમ્યાન પાછળથી આવતી અન્ય પ્રવાસીઓની એક બસ પણ અકસ્માતગ્રસ્ત બસ સાથે ધડાકાભેર ભટકાઈ હતી. એક સમયે બે બસ વચ્ચે અકસ્માત સર્જાતા દોડધામ મચી જવા પામી હતી.
અકસ્માતને પગલે બન્ને બસમાં સવાર ૨૫થી વધુ મુસાફરોને ઇજાઓ પહોચતા સારવાર અર્થે ગરુડેશ્વર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જન્માષ્ટમીની રજામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવેલા પ્રવાસીઓએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. જો કે આ અક્સ્ત્માતમાં ૬ જેટલાને વધુ ઇજા થતા વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોને વધુ સારવાર મળે તે માટે તાત્કાલિક સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ચાલતા હેલીકૉપટર દ્વારા વડોદરાથી અમદાવાદ રીફર કરવામાં આવ્યા હતા.