/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/10/shailputri11.jpg)
આસો સુદ એકમ એટલે કે શારદિય નવરાત્રીનો પ્રથમ દિવસ. નવરાત્રીના નવ દિવસ દરમિયાન જુદા જુદા માતાજીનું પુજન અર્ચન કરવામાં આવે છે. નવરાત્રીના પ્રથમ દિવસે નવદુર્ગાના પ્રથમ સ્વરૂપ શૈલ પુત્રીના રૂપની પુજા કરવામાં આવે છે. ત્યારે શૈલપુત્રીની પુજાનુ શું મહત્વ છે, કઈ રીતે માતાજી શૈલ પુત્રી તરીકે ઓળખાયા. તેમજ ક્યા મંત્ર વડે માતાજીને રિઝવી શકાય. અને પ્રથમ દિવસે ક્યા પ્રકારનું નૈવેધ ધરાવવુ જોઈએ. તેમજ ભારત વર્ષમાં શૈલ પુત્રી માતાજીનું મંદિર ક્યા સ્થાને આવેલુ છે તેની રસપ્રદ માહિતી કનેક્ટ ગુજરાતનાં વાચકો માટે અહીં રજુ કરવામાં આવી છે.
કઈ રીતે ઓળખાયા મા શૈલ પુત્રી તરીકે :
કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં શાસ્ત્રી અસીતભાઈ જાનીએ જણાવ્યુ હતુ કે, શારદિય નવરાત્રીમાં દુર્ગાનું પહેલુ સ્વરૂપ શૈલ પુત્રી નામથી ઓળખાય છે. શૈલનો અર્થ થાય છે પર્વત તેમજ પર્વતરાજ હિમાલયના ઘરે પુત્રી રત્ન તરીકે અવતરીત થયા હોવાના કારણે માનુ પ્રથમ સ્વરૂપ શૈલ પુત્રી તરીકે ઓળખાય છે.
મા શૈલ પુત્રી પુર્વ જન્મમાં દક્ષ પ્રજાપતિના પુત્રી સતી હતા. જેમના વિવાહ દેવાધિદેવ મહાદેવની સાથે થયા હતા. દક્ષ પ્રજાપતિ દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં તમામ દેવગણોને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. જો કે માત્ર શિવજીને જ તેમાં આમંત્રણ આપવામાં આવ્યુ નહોતુ. પરંતુ દેવી સતીએ શિવજી પાસે જીદ કરી યજ્ઞમાં આમંત્રણ વગર ગયા. જ્યાં તેમના પતિનું સ્થાન ન જોતા પોતે અપમાનીત થયા. આમ, પોતાના જ પિતા દક્ષ પ્રજાપતિ દ્વારા પોતાના પતિનું થયેલ અપમાન સહન ન કરી શકતા દેવી સતીએ પોતાના યોગ અગ્ની દ્વારા પોતાના શરીરને ભષ્મ કરી દીધુ. ત્યાર બાદ દેવી સતી પોતાના આગળના જન્મમાં પર્વતરાજ હિમાલયના ઘરે પુત્રી રત્ન તરીકે અવતરીત થયા બાદ પાર્વતી સ્વરૂપે ઓળખાયા. શૈલ પુત્રીની પુજા કરવાથી તે સમસ્ત વનચર, જળચર, નભચર અને વન્યજીવ પશુ પક્ષીઓની રક્ષા કરે છે.
ક્યા આવ્યુ છે મા શૈલ પુત્રીનું મંદિર :
શૈલ પુત્રી માતાજીનું સ્વરૂપ દિવ્ય દર્શન આપનારૂ છે.શૈલ પુત્રીના સ્વરૂપની વાત કરીએ તો માતાજીના જમણા હાથમાં ત્રિશુળ છે. જ્યારે ડાબા હાથમાં કમળનું પુષ્પ ધારણ કરેલ છે. માતાજી વૃષ્ભ એટલે કે બળદ પર બિરાજમાન છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શૈલ પુત્રીની આરાધના કરવાથી મનની શુધ્ધી થાય છે તો સાત્વિક વિચારોમાં વૃધ્ધિ થાય છે. તેમજ માતાજીના આ સ્વરૂપની પુજા કરવાથી મનુષ્યની અંદર રહેલ દુર્ગુણોનો પણ નાશ થાય છે. સાધકો અને યોગીઓ શારદિય નવરાત્રીના પ્રથમ દિવસે મા શૈલ પુત્રીની ઉપાસના કરી તેમને પોતાના મુલાધાર ચક્રમાં સ્થિર કરે છે. તે કર્યા પછી જ શારદિય નવરાત્રીના પ્રથમ દિવસે યોગ સાધના અને અનુષ્ઠાનનો પ્રારંભ કરે છે. ભારત વર્ષમાં મા શૈલ પુત્રીનું મંદિર કાશી ક્ષેત્રના અલઈપુરમા આવેલ છે. તેની પુજા કરવાથી ભક્તો માતાજીની કૃપાના પાત્ર બને છે. એવુ કહેવાઈ છે કે માના દર્શન કરવા માત્રથી વૈવાહિક જીવનના તમામ કષ્ટો દુર થાય છે. અલઈપુરના શૈલપુત્રી માતાના મંદિરમા ત્રણ વખત આરતી કરવામા આવે છે.
ક્યા મંત્ર દ્વારા મા શૈલપુત્રીનું ધ્યાન ધરી શકાય :
वन्दे वाञ्छित लाभाय चन्द्रार्धकृतशेखराम्। वृषारुढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्॥
અર્થાત મા ભગવતી આપ સમસ્ત મનુષ્યોને મનવાંછિત લાભ અને ફળ આપનારા છો. તમે વૃષભ પર બિરાજમાન થઈ ત્રિશુલ અને કમળ ધારણ કરો છો. તમારા ભાલમાં દિવ્ય તેજ સમાન ચંદ્રમાં ને ધારણ કરેલ છે. હૈ મા શૈલપુત્રી તમે યશસ્વિની છો. સમસ્ત જગતને, ભક્તોને યશ અને તમામ સુખ આપનારા છો અને ભક્તોની રક્ષા કરનારા છો.
શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે શૈલપુત્રી માતાજીના મંત્ર જાપ અને આરાધના કેવી રીતે કરી શકાય તે જાણીએ. નીચે દર્શાવેલ મંત્રની શક્ય હોય તો નવ માળા કરવી.
विशोका दुष्टदमनी शमनी दुरितापदाम्। उमा गौरी सती चण्डी कालिका सा च पार्वती...
આ મંત્ર જાપ સાચા ઉચ્ચારણ થી કરવો જોઈએ અથાવ તો બ્રાહ્મણને નિમંત્રણ આપી દુર્ગાના શૈલ પુત્રી સ્વરૂપની મહાપુજા કરી ચંડિપાઠ કરાવવો અને ભક્તોએ મંત્ર ન કરી શકે તો નવાર્ણ મંત્રની નવ માળા કરવી.
શૈલપુત્રી માતાના બિજ મંત્ર
1.ह्रीं शिवायै नम:
2.ऊं ह्रीं श्री शैलपुत्री दुर्गायै नम:
નૈવેધ તરીકે શું ભોગ ધરાવવો :
પહેલા દિવસે માતાજીની મહાપુજા અંતર્ગત નૈવેધ તરીકે ગાયના શુધ્ઘ ઘીનો ભોગ લગાવવામાં આવે છે. આમ, કરવાથી મનુષ્યો તમામ પ્રકારના રોગો માંથી મુક્તિ પામે છે.