અંકલેશ્વર જીઆઇડીસીનો ચકચારી બનાવ

વિદ્યાર્થીનીને માર મારવાના કેસમાં નવો વળાંક

આરોપીની પુત્રી સારવાર અર્થે દાખલ

પહેલા તેને માર મરાયો હોવાનો કર્યો દાવો

અંકલેશ્વર જીઆઇડીસીના ગાર્ડન સીટી રોડ પર બે વિદ્યાર્થીનીઓને માર મારવાની ઘટનામાં નવો જ વળાંક આવ્યો છે.આરોપીની પુત્રી પણ સારવાર માટે પહોંચી હતી અને વિડીયો જાહેર કરી પહેલા તેને મારાયો હોવાનો દાવો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

અંકલેશ્વરમાં 15 જુલાઈએ બે વિદ્યાર્થીનીઓ સંસ્કૃતિ અને આકૃતિ પર બેટ વડે હુમલો કરવાના ચર્ચિત કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. પોલીસે જીવલેણ હુમલાનો ગુનો નોંધી આરોપી ગુરુદેવ ઉર્ફે દેવ પ્રીતમ સિંગ જેસર અને તેની પત્ની ભાવિની જેસરની ધરપકડ કરી હતી.

આ દરમિયાન આરોપી ગુરુદેવ જેસરની પુત્રી પર્લ જેસર સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી, જ્યાં તેણે સમગ્ર ઘટનાને લઈને પોતાનો પક્ષ રજૂ કર્યો.પર્લ જેસરે દાવો કર્યો કે સંસ્કૃતિ અને આકૃતિને માર મારવાની ઘટના કોઈ પૂર્વ આયોજિત હુમલો નહોતી, પરંતુ અગાઉ બનેલી ઘટનાની પ્રતિક્રિયા હતી. તેના જણાવ્યા મુજબ, ઘટના પહેલાં સંસ્કૃતિએ તેને મળવા બોલાવી હતી, જ્યાં મિત્રો સાથે મળીને તેની સાથે મારપીટ કરવામાં આવી હતી તેમજ સિગારેટના ડામ પણ આપવામાં આવ્યા હતા.

પર્લના કહેવા મુજબ, આ ઘટના બાદ તેના માતા-પિતા સંસ્કૃતિના ઘરે વાત કરવા જઈ રહ્યા હતા, પરંતુ રસ્તામાં સંસ્કૃતિ મળી જતા ઉશ્કેરાટમાં મારામારી થઈ હતી.બીજી તરફ, સંસ્કૃતિએ પોતાની સાથે મારપીટ થઈ હોવાનો દાવો કરતાં ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. પર્લના પરિવાર દ્વારા સમગ્ર મામલે પોલીસને લેખિત અરજી પણ આપવામાં આવી છે.હાલ પોલીસે બંને પક્ષના આક્ષેપો અને રજૂઆતોના આધારે તપાસ શરૂ રાખી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે.