વિશ્વના સૌથી મોટા લોકડાઉનને એક વર્ષ પૂર્ણ, પરિસ્થિતીનું પુનરાવર્તન!

વિશ્વના સૌથી મોટા લોકડાઉનને એક વર્ષ પૂર્ણ, પરિસ્થિતીનું પુનરાવર્તન!
New Update

ઐતિહાસિક નિર્ણયની એ તસવીરને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. જ્યાં 130 કરોડની જનતા ઘરોમાં કેદ થઈ ગઈ હતી. આખા ભારત દેશમાં સન્નાટો છવાઈ ગયો હતો. આકાશની નીચે રહેતો દરેક માનવી અદ્રશ્ય બીમારી સામે લાચાર બની ગયો હતો. રસ્તાઓ સૂમસાન, શહેરો શાંત અને ગામડાઓ ગર્ભિત થઈ ગયા હતા, નદી, નાળા, તળાવ અને સમુંદર પણ ખામોશીના આલમમાં આવી ગયા હતા. એ દિવસ હતો 25 માર્ચ જ્યારે દેશ આખો તાળાબંધીની પરિસ્થિતીમાં જીવી રહ્યો હતો... આજે એક વર્ષ બાદ ફરી એક વખત કોરોનાનો ખતરો લોકડાઉનની પરિસ્થિતીને પુનરાવર્તનની આશંકા જગાવી રહ્યો છે. નમસ્કાર... 24 માર્ચની એ રાત હતી જેને માનવી મૃત્યુ પહેલાની આખરી રાત અને છેલ્લી સાંસ લઈ રહ્યો હોય. કોરોનાએ પોતિકા પણ પારકા બની ગયા હોય તેવો અનુભવ કરાવી દીધો હતો... એકબીજાથી દૂર, મજબૂર બનાવી દીધા હતા... 

દેશને લોક કરવાનો એ નિર્ણય કપરો હતો, વડાપ્રધાન મોદીના એ નિર્ણયથી દેશ ઐતિહાસિક અને ભયંકર પરિસ્થિતીનો સાક્ષી બનવા જય રહ્યો હતો. આ ફેંસલાથી દેશ સંપૂર્ણ તાળાબંધીમાં આવી ગયો હતો.

કોઈએ નહીં વિચાર્યું હોય દેશ માત્ર ચાર કલાક બાદ થોભી જશે. દેશમાં ચાલતી લગભગ દરેક ગતિવિધિઓ પર બ્રેક વાગી જશે. મોલ, મલ્ટીપ્લેક્ષ, કોમ્પ્લેક્ષને તાળાં વાગી જશે. શાળા, કોલેજો, બાગ, બગીચાઓ બંધ થઈ જશે, રસ્તાઓ પરનો વાહનવ્યવહાર, ટ્રેન અને પ્લેન થંભી જશે, હોટલો અને મોટેલો બંધ થઈ જશે. ધંધા ઉદ્યોગો ઠપ્પ થઈ જશે અને લોકો મકાનોમાં કેદ થઈ જશે... પરંતુ આ બધુ થયું, કારણ કે, દેશ કોરોના સામે જજૂમી રહ્યો હતો... કોરોનાથી બચવા તહેવારો અને પ્રસંગો પર પ્રતિબંધો લાદવામાં આવ્યા તો મસ્જિદ, મંદિર અને ગુરુદ્વારા સહિતના ધાર્મિક સ્થળો પર પણ લોકો માટે પ્રવેશબંધી કરવામાં આવી. ઈશ્વરની બંદગી માટે પણ એક સ્થળ હતું માત્ર ઘર... અને ઘરના દરવાજા પર લક્ષ્મણ રેખા દોરવાની વિનંતી કરવામાં આવી હતી ત્યાં સુધી જ્યાં સુધી કોરોનાની ગંભીર બીમારી સામે રસી કે દવાની શોધ કરી લેવામાં ન આવે... દેશ એક બાદ એક ચાર  તબક્કાઓ સુધીના લોકડાઉનનો માર સહન કરી રહ્યો હતો. કોઈ ધંધા ઠપ થવાથી લાચાર, તો કોઈ નોકરી ગુમાવી દેતા લાચાર.. કોઈ ભૂખથી લાચાર તો કોઈ ગરીબીમાં લાચાર... દેશ એ પરિસ્થિતીમાં જીવી રહ્યો હતો જ્યાં કોઈએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે અસહનીય આફત લાચાર, બેકાર, બેહાલ કરી દેશે. આ પરિસ્થિતીમાં માત્ર પેટને ખોરાક મળી રહે તે જ પૂરતું હતું.. એક અબજથી વધારે નાગરિકોના પેટનો પ્રશ્ન દેશ સામે આવીને ઊભો રહ્યો હતો.. પરંતુ કહેવાય છે કે જેનું કોઈ નથી તેનો ભગવાન છે અને ઈશ્વરે બનાવેલ આ માનવી પણ સહાનુભૂત, દિલદાર છે.. લોકડાઉનની એ પરિસ્થિતીમાં માનવીનો સહારો માનવી બન્યો... માનવતાની જીવતી મિસાલ જોવા મળી જ્યારે જરૂરિયાતમંદો સુધી કોરોનાથી રક્ષણ માટે માસ્ક, સેનેટાઇઝર,તો પેટ માટે અનાજ, શાકભાજી વિતરણ કરવામાં આવ્યા. દેશ જાણે યુદ્ધમાં એક બનીને એકમેકને મદદરૂપ બનીને આગળ વધી રહ્યો હતો.. કપરી પરિસ્થિતીમાં દેશ માટે લોકોએ દાનનો ધોધ વહાવ્યો... અને હરકોઈ પોતાની હેસિયત પ્રમાણે દેશ માટે આગળ આવી ગયા હતા.  

દેશના સૌથી કપરા કાળમાં સૌથી કપરી પરિસ્થિતી મજૂરોની હતી ખાસ કરીને પરપ્રાંતીય મજૂરોની... રોજગારી છીનવાઇ જતાં માથે આભ તૂટી પડ્યું હતું. પરપ્રાંતીય લોકો હિજરત કરવા મજબૂર બન્યા હતા.

એક તરફ કોરોના કેસના આંકડા વધી રહ્યા હતા, મૃતકોની સંખ્યા વધી રહી હતી, બીજી તરફ દેશમાં દહેશત વધી રહી હતી. ડરામણી પરિસ્થિતી સર્જાઈ રહી હતી. લોકડાઉન લાગુ થતાં જ લોકો માટે ખોરાક અને રહેણાકનો પ્રશ્નો ઉત્પન્ન થયો હતો. ખાસ કરીને વતન છોડી મજૂરી માટે અન્ય રાજ્યોમાં ગયેલા પરપ્રાંતીય કામદારોની પરિસ્થિતી વિકટ હતી. લોકડાઉનની માઠી અસર દેશના મજૂર વર્ગને ભોગવવી પડી હતી. પરપ્રાંતીય મજૂરો રોજગાર છીનવાઇ જતાં, બેરોજગાર અને લાચાર થઈ ગયા હતા. ઘર પરિવારથી દૂર મજૂરોને માતા-પિતા અને સંતાનોની ચિંતા સતાવી રહી હતી... કોરોના કાળમાં આ દ્રશ્યો ખુબજ ડરામણા હતા. હવે મજૂરો પાસે માત્ર એક જ વિકલ્પ હતો વતનવાપસી... પરંતુ સવાલ હતો વાહન વ્યવહારનો.. બસ, ટ્રેન સહિતની દરેક સેવા પર પાબંધી હતી, પાબંધી હતી ઘરની બહાર નીકળવા પર.. તો કામદારો ઘરે પહોંચે કેવી રીતે?... મન મક્કમ, દ્રઢ નિશ્ચય કરી કામદારોએ પગપાળા સાથે જ વતનની વાત પકડી લીધી હતી. માથા પર આસરાનો સામાન, હાથમાં સંતાન અને પરિવાર તેમજ સાથીદાર સાથે પગપાળા સેંકડો કિલોમીટરનો રસ્તો કાપવા નીકળી પડ્યા હતા... કોરોનાથી મરતા પહેલા ભૂખથી મળી જઈશું ની વેદના સાથે... દેશના રસ્તાઓ પર વાહનોના પૈડાં નહીં... માનવીના પગ ચાલતા હતા. ભૂખ્યા, તરસ્યા નીકળી પડેલા આ મજૂરોને ખબર ન હતી કે, તેઓ ઘર સુધી પહોંચશે..? રસ્તામાં ખાવાનું મળશે? ઈશ્વર પર વિશ્વાસ રાખી મજૂરો ફક્ત ઘરે પરત જઈ શાંતિનો શ્વાસ લેવા માંગતા હતા.

લોકડાઉનના એક વર્ષના સમયગાળા બાદ ફરી એક વખત પરિસ્થિતીનું પુનરાવર્તન થય રહ્યું છે. કોરોના કેસ ફરી તેજ ગતિએ વધી રહ્યા છે. ફરી એક વખત લોકડાઉનની દહેશત વર્તાઇ રહી છે.

ચીનના વુહાનથી નીકળી કોરોના વિશ્વભરમાં ફેલાયો હતો. આ આખા વિશ્વ માટે ભયાનક દોર હતો. કોરોનાએ ભારતમાં પણ દસ્તક દીધી હતી જેને રોકવા તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા... દેશના દરેક રાજ્યોમાં કોરોના ફેલાયો હતો જેમાં ગુજરાત પણ બાકાત ન રહી શક્યું. અને અમદાવાદ સહિતના મહાનગરોમાં કોરોના ઝડપથી પ્રસરી રહ્યો હતો... માત્ર શહેરો નહીં ગામડાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા.. લોકડાઉનની પરિસ્થિતી વચ્ચે દેશ આર્થિક મુસીબત વેઠી રહ્યો હતો. ચાર તબક્કાના લોકડાઉન હેઠળ બે મહિના ઉપરાંતના સમય માટે તમામ ગતિવિધિઓ બંધ પડી હતી જેના કારણે આર્થિક નબળાઈ દેશને સહન કરવી પડી. આ આર્થિક મુશ્કેલીને પહોંચી વળવા અનલોકની પ્રક્રિયાથી દેશને ફરી મજબૂત કરવા તબક્કાવાર વિવિધ ગતિવિધિઓ શરૂ કરવા મંજૂરી આપવામાં આવી. બીજી તરફ ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના માટેની રસી શોધવાની પ્રક્રિયા ચાલી રહી હતી. અંતે એક લાંબા સમય બાદ કોરોના વેક્સિન બજારમાં આવી. ત્યાર સુધીમાં કોરોના પર નિયંત્રણ ભારત દેશે મેળવી લીધું હતું. કોરોનાના કેસો નહિવત આવી રહ્યા હતા. કોવિડ હોસ્પિટલો અને ક્વોરંટીન સેન્ટરોને બંધ કરવામાં આવી રહ્યા હતા. દેશ સામાન્ય પરિસ્થિતીમાં આવી રહ્યો હતો. વિશ્વમાં સૌથી વધુ રિકવરીમાં ભારત દેશ આગળ વધી રહ્યો હતો. પરંતુ સમયનું ચક્ર ફરી એક સ્થળ અને પરિસ્થિતીએ આવશે તે વિચાર્યું નહીં હોય.. એક વર્ષ બાદ ફરી એજ સમય અને પરિસ્થિતીનું પુનરાવર્તન જોવાય રહ્યું છે. ફરી કોરોના સંક્રમણ વધી રહ્યું છે, ફરી કોરોનાથી મૃતકાંક વધી રહ્યો છે. ફરી લોકડાઉનની દહેશત વર્તાઇ રહી છે.

કોરોનાની બીજી લહેરમાં લોકડાઉનના અણસાર જોવાય રહ્યા છે, ત્યારે ગુજરાતમાં પણ  કોરોનાએ માથું ઊંચક્યું છે, પ્રતિ દિવસ કોરોનાના કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.

એક સમયનું કોરોના એપી એન્ટર અમદાવાદ ફરી કોરોનામાં ખતરા સામે લડી રહ્યું છે. માંડ લોકડાઉન અને કરફ્યુમાં ઢીલ મળી હતી ત્યાં ચૂંટણી અને ક્રિકેટ મેચ બાદ પરિસ્થિતી વકરી છે. કરફ્યુના સમય અને મર્યાદામાં વધારો કરી દેવામાં આવ્યો છે. તો મલ્ટીપ્લેક્ષ અને શાળાઓ ફરી બંધ કરવાની ફરજ પડી છે. અમદાવાદની સમાંતર સુરત શહેર તેમજ જીલ્લામાં પણ કોરોના તેજ ગતિથી વધી રહ્યો છે. જનજીવનની ગાડી પાટા આવતા આવતા ફરી નીચે ઉતરી પડી છે. શહેરીજનો હજુ પણ કરફ્યુનું જીવન જીવવા મજબૂર બન્યા છે.

ભરૂચ જિલ્લામાં કોરોના ધીમી ગતિએ વધી રહ્યો છે. ઔદ્યોગિક વસાહતો માટે જાણીતા ભરૂચ જીલ્લામાં લગભગ દેશમાં સૌથી વધુ પરપ્રાંતીય મજૂરો કામ કરે છે. લોકડાઉનમાં હિજરત કરી ગયેલા પરપ્રાંતીય કામદારો ધીમેધીમે કામ પર પરત તો ફર્યા પરંતુ ફરી સ્થિતિ વણસતી જોવા મળતા લોકડાઉનનો દહેશત કામદારોમાં વર્તાઇ રહી છે. અનેક કામદારો લોકડાઉન લાગુ થય તે પહેલા જ ઘરે હિજરત કરી રહ્યા છે. લોકડાઉનની બે તસવીર છે એક બિહામણી તો બીજી એ કે કોઈ પણ પરિસ્થિતીમાં માનવી જીવન જીવવા માટે સક્ષમ છે. લોકડાઉને માનવ જાતને અનેક સકારાત્મક બાબત પણ શીખવી છે જો કે એમ છતા હવે કોઈ નહીં ઇચ્છે કે ફરી લોકડાઉન થાય, હવે કોઈ નહીં વિચારે કે ફરી લોકડાઉનમાં જીવન પસાર કરવું પડે, કારણ કે, લોકડાઉનની એ પરિસ્થિતી આજે પણ હ્રદયને હચમચાવી દઈ શરીરને કંપાવી મૂકે છે.

#Corona Virus #Narendra Modi #Corona Update #lockdown #LockDown News #CoronavirusLockdown
Here are a few more articles:
Read the Next Article