ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર
નિકોરા બેટ ગામના ગ્રામજનો દ્વારા રજુઆત
ગૌચરની જમીન ગાર્ડન માટે ફાળવતા વિરોધ
ગ્રામજનોની સંમતિ ન લેવાય હોવાના આક્ષેપ
ભરૂચના નિકોરા બેટમાં ગૌચરની જમીન પર બોટનિકલ ગાર્ડનના ગ્રામ પંચાયતના ઠરાવનો ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ભરૂચના નિકોરા બેટ ગામમાં ગૌચર તરીકે અનામત સર્વે નં. ૧૨ અને ૧૩ની જમીન બોટનિકલ ગાર્ડન માટે ફાળવવાના ગ્રામ પંચાયતના તા. ૧૮/૦૭/૨૦૨૬ના ઠરાવ સામે ગામના માલધારીઓ અને ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.આ અંગે કલેકટરને પાઠવાયેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે
આ ગૌચરની જમીનનો વર્ષોથી ગામના અંદાજે ૩૦૦૦થી વધુ ગાયો, ભેંસો અને અન્ય ઢોર-ઢાંખરના ચરિયાણ માટે ઉપયોગ થાય છે. ઉપરાંત, નર્મદા નદીમાં પૂર કે રેલની પરિસ્થિતિ સર્જાય ત્યારે ગામના લોકો અને તેમના પશુઓ માટે આ ઊંચાઈ પર આવેલી જમીન સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે ઉપયોગમાં લેવાય છે.ગ્રામજનોનો આક્ષેપ છે કે ગ્રામ પંચાયત દ્વારા પૂરતી ચર્ચા કે ગ્રામજનોની સંમતિ વિના તાત્કાલિક બેઠક બોલાવી ગૌચરની જમીન પર બોટનિકલ ગાર્ડન બનાવવા માટે ઠરાવ કરવામાં આવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે ગૌચરની જમીનનો હેતુફેર સરકારના નિયમો અને જાહેર હિતની ભાવના વિરુદ્ધ છે.આ મુદ્દે ગામના રહેવાસીઓએ ઠરાવ રદ કરવાની તેમજ ગૌચરની જમીન અંગે કોઈપણ પ્રકારની મંજૂરી ન આપવા માંગ કરી છે.
