દેશના ભવિષ્ય સમાન યુવાનોમાં લોકશાહીના મૂલ્યો અને નેતૃત્વના ગુણો ખીલે તેવા હેતુથી ભરૂચના પાંચબત્તી સ્થિત રાજપૂત છાત્રાલય ખાતે ‘માય ભારત’ ટીમ દ્વારા બુટ કેમ્પ હેઠળ ‘લાઈવ યુવા સંસદ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું સફળતાપૂર્વક સમાપન થયું હતું.

દેશના ભવિષ્ય સમાન યુવાનોમાં લોકશાહીના મૂલ્યો અને નેતૃત્વના ગુણો ખીલે તેવા હેતુથી ભરૂચના પાંચબત્તી સ્થિત રાજપૂત છાત્રાલય ખાતે ‘માય ભારત’ ટીમ દ્વારા બુટ કેમ્પ હેઠળ ‘લાઈવ યુવા સંસદ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યુવા સંસદના અંતિમ દિવસે 35 જેટલા યુવા સાંસદોએ અસલી સંસદની જેમ જ દેશના મુખ્ય પ્રશ્નો, પડકારો અને 2047ના વિકસિત ભારતના રોડમેપ પર ધારદાર પ્રશ્નોત્તરી તથા ચર્ચાઓ કરી હતી. યુવાનોએ પોતાની વાગ્છટા અને સંસદીય મર્યાદા સાથે જીવંત ચર્ચા કરી લોકશાહીની ગરિમા ઉજાગર કરી હતી.

કાર્યક્રમના અંતિમ દિવસે ભરૂચ જિલ્લા મહામંત્રી પરેશ પટેલ, કિસાન મોરચાના ઉપપ્રમુખ ઋષભ ઠક્કર અને પિયુષ પટેલે ખાસ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. બુટ કેમ્પના સફળ આયોજન બાદ ભાગ લેનાર તમામ યુવાનો અને વિજેતા બનેલી યુવા પ્રતિભાઓને મહાનુભાવોના હસ્તે એવોર્ડ તથા પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન ‘માય ભારત’ ભરૂચના ઇન્ચાર્જ પવિત્રકુમાર બિસ્વાલ, અલકા મેકવાન અને તેમની સમગ્ર માય ભારત ટીમ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.