અમેરિકાની જાણીતી કંપનીએ AIને કામે લગાવી 8000 કર્મચારીઓની નોકરી ઝૂંટવી લીધી

આ મહિનાની શરૂઆતમાં IBM દ્વારા AI એજન્ટ્‌સને કામે લગાડી 200 નોકરીઓનું કામ AIને સોંપી દેવાયું હતું. માણસો દ્વારા જે કામ થતાં હતા તે કામો હવે AI કરે છે

New Update
IBM
અમેરિકામાં AIને કામે લગાડી કર્મચારીઓને રવાના કરવાની ઝૂંબેશમાં વિખ્યાત IBM કંપનીએ પણ જોડાઈ આઠ હજાર કર્મચારીઓને રવાના કરી દેવાયા છે. મોટાભાગની નોકરીઓ હ્યુમન રિસોર્સ એટલે કે, HR વિભાગમાંથી કપાઈ છે. આ મહિનાની શરૂઆતમાં IBM દ્વારા AI એજન્ટ્‌સને કામે લગાડી 200 નોકરીઓનું કામ AIને સોંપી દેવાયું હતું. માણસો દ્વારા જે કામ થતાં હતા તે કામો હવે AI કરે છે અને ઘણાં કામ તબક્કાવાર રદ કરવામાં આવી રહ્યા છે.
 
AIને કામે લગાડી કર્મચારીઓને રવાના કરવાનું વલણ IBM પૂરતું મર્યાદિત નથી. ઘણી અમેરિકન કંપનીઓમાં આ વલણ જોવા મળી રહ્યું છે. દુનિયામાં ઘણી કંપનીઓ તેમના કામને આપોઆપ કરવા માટે AI સંચાલિત ટૂલ્સનો ઉપયોગ કરી ખર્ચ ઘટાડવાના અખતરાઓ કરી રહી છે.
ગયા મહિને ટેક કંપની ડ્યુઓલિંગોના CEO લુઇસ વોન અહને જણાવ્યું હતું કે, જે કામ AI કરી શકે તેવા કામો માટે માનવ કોન્ટ્રાકટર્સનો ઉપયોગ કરવાનું અમે બંધ કરી રહ્યા છીએ. આ જ રીતે એપ્રિલમાં શોપિફાય કંપનીના CEO ટોબિયાસ લુટકેએ એક મેમો જારી કરી જણાવ્યું હતું કે, જો કોઈ માણસને નોકરીએ રાખે તો તેણે પહેલાં દર્શાવવું પડશે કે આ કામ AI શા માટે ન કરી શકે. વધારે માણસો અને ખર્ચ વધારતાં પહેલાં ટીમે દર્શાવવું પડશે કે તેઓ જે ઇચ્છે છે તે AI દ્વારા શા માટે ન થઈ શકે?

IBMના CEO અરવિંદ કૃષ્ણાએ એક ઇન્ટરવ્યુમાં આ પરિવર્તનનો સંકેત આપતાં જણાવ્યું હતું કે ચોક્કસ પ્રોસેસીસને સ્ટ્રીમલાઇન કરવા માટે AI અને ઓટોમેશનનો ઉપયોગ થઈ રહ્યો છે. કંપની આ રીતે થનારી બચતનો ઉપયોગ સોફ્‌ટવેર ડેવલપમેન્ટ, સેલ્સ અને માર્કેટિંગ જેવી પ્રવૃત્તિઓમાં કરશે. IBM દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અમે દરેક નોકરીઓમાં કાપ મૂકી નથી રહ્યા પણ માત્ર ફોકસ બદલી રહ્યા છીએ, જેમાં રૂટીન કામ હોય. ખાસ કરીને બેક ઓફિસમાં તેને AIને સોંપી માર્કેટિંગ અને સોફ્‌ટવેર ડેવલપમેન્ટ જેવા વધારે સર્જનાત્મક અને વ્યૂહાત્મક વિચારણા કરવા પડે તેવા કામ પર અમે વધારે ફોકસ કરી રહ્યા છીએ. 

IBMના ચીફ HR ઑફિસર નિકલ લા મોરોએ જણાવ્યું હતું કે, AIનો ઉપયોગ થવાથી તમામ નોકરીઓ ગાયબ થઈ જશે એવું નથી. બહું ઓછાં કામો છે જે સંપૂર્ણપણે AI સંભાળશે. રૂટિન કામો જેમાં એકધારું પુનરાવર્તન કરવું પડતું હોય તેવા કામો AIને સોંપી તેમાંથી કર્મચારીઓને મુક્ત કરી તેમને નિર્ણય કરવો પડે તેવા કામો પર ફોકસ કરવા જણાવાશે.

Latest Stories