/connect-gujarat/media/media_files/2025/05/05/eQ4hEzNm7XTzzUGv0RKb.jpg)
ભારતીય રેલવે દ્વારા ટિકિટ બુકિંગના નિયમોમાં ફરી એક વખત મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે, જેના કારણે હવે આધાર કાર્ડ લિંક કર્યા વગર ટિકિટ બુક કરાવવી યૂઝર્સ માટે વધુ મુશ્કેલ બનશે.
IRCTCએ સ્પષ્ટ કરી દીધું છે કે હવે દરેક યૂઝર માટે આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત રહેશે. અગાઉની વ્યવસ્થામાં જ્યારે ટિકિટ બુકિંગ શરૂ થતું ત્યારે આધાર લિંક કરેલા યૂઝર્સને પહેલા તક આપવામાં આવતી હતી અને બપોર બાદ આધાર કાર્ડ લિંક ન હોય એવા લોકો પણ બુકિંગ કરી શકતા હતા, પરંતુ હવે આ છૂટ પણ ધીમે ધીમે સંપૂર્ણ રીતે હટાવી લેવામાં આવી રહી છે. રેલવેના આ નિર્ણયને બોગસ બુકિંગ, ટ્રાવેલ એજન્ટ્સ દ્વારા બલ્ક ટિકિટ બુકિંગ અને વાસ્તવિક મુસાફરોને થતી મુશ્કેલી અટકાવવા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
IRCTC દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો મુજબ આ બદલાવ તબક્કાવાર અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. 29 ડિસેમ્બરથી ફક્ત આધાર કાર્ડ લિંક કરેલા યૂઝર્સ જ સવારના 8 વાગ્યાથી બપોર સુધી ટિકિટ બુક કરી શકશે.
ત્યારબાદ 5 જાન્યુઆરીથી આ સમયગાળો વધુ કડક બનાવવામાં આવ્યો છે, જેમાં સવારના 8 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી માત્ર આધાર લિંક યૂઝર્સને જ બુકિંગ કરવાની મંજૂરી મળશે.
સૌથી મોટો ફેરફાર 12 જાન્યુઆરીથી અમલમાં આવશે, જ્યારે સવારથી લઈને મધરાત સુધી સમગ્ર દિવસ દરમિયાન ફક્ત આધાર કાર્ડ લિંક કરેલા યૂઝર્સ જ IRCTC પર ટિકિટ બુક કરી શકશે. આનો અર્થ એ થાય છે કે આધાર લિંક વગરના યૂઝર્સ માટે ઓનલાઈન ટિકિટ બુકિંગનો રસ્તો લગભગ બંધ થઈ જશે.
IRCTCનું કહેવું છે કે આ નિયમોને અલગ-અલગ ફેઝમાં લાવવાનો મુખ્ય હેતુ એ છે કે યૂઝર્સને પોતાનું આધાર કાર્ડ લિંક કરવા માટે પૂરતો સમય મળી રહે અને વ્યવસ્થા સરળતાથી અમલમાં આવી શકે. રેલવે પ્રશાસનનો દાવો છે કે આ નિર્ણયથી સાચા અને જેન્યુન મુસાફરોને ટિકિટ મળવાની શક્યતા વધશે અને બોગસ બુકિંગ કરનારા તત્વો પર રોક લગાવવામાં મદદ મળશે. સાથે સાથે આ પગલાંનો ઉદ્દેશ ઓનલાઈન રિઝર્વેશન સિસ્ટમને વધુ પ્રામાણિક અને પારદર્શક બનાવવાનો છે, જેથી ટ્રાવેલ એજન્ટ્સ અથવા ઓટોમેટેડ બોટ્સ દ્વારા થતી બલ્ક બુકિંગ અટકાવી શકાય અને સામાન્ય મુસાફરોને સમયસર અને સરળતાથી ટિકિટ મળી રહે.