/connect-gujarat/media/media_files/2025/11/07/qr-code-2025-11-07-13-07-58.jpg)
આજના ડિજિટલ યુગમાં QR કોડ આપણા દૈનિક જીવનનો અવિભાજ્ય ભાગ બની ગયો છે.
શોપિંગ મોલથી લઈને શેરીના નાનકડા વિક્રેતાસુધી, દરેક જગ્યાએ ઓનલાઈન ચુકવણી માટે QR કોડનો જ ઉપયોગ થાય છે. માત્ર એક કોડ સ્કેન કરતાં જ ટ્રાન્ઝેક્શન થઈ જાય છે તે એટલું ઝડપી અને સરળ છે કે લોકો માટે તે ચુકવણીનો સૌથી લોકપ્રિય વિકલ્પ બની ગયો છે. પરંતુ ભાગ્યે જ કોઈ જાણે છે કે આ અદભૂત શોધની પાછળ કોણ છે અને તેનું પેટન્ટ આજ સુધી કેમ નથી થયું.
QR કોડની શોધ 1994માં જાપાનની ટોયોટા કંપનીની પેટાકંપની Denso Waveમાં કામ કરતા એન્જિનિયર માસાહિરો હારાએ કરી હતી. તેમને આ વિચાર લોકપ્રિય જાપાનીઝ ગેમ “GO”માંથી મળ્યો હતો. ગેમના સફેદ અને કાળા દડાઓના પેટર્ન જોઈને તેમને એક એવા કોડની કલ્પના આવી, જેમાં ઘણી માહિતી ઝડપથી સ્કેન કરી શકાય. તે સમય સુધી માત્ર બારકોડ જ વપરાતો હતો, જે 1949માં શોધાયો હતો, પરંતુ તેમાં માત્ર ઊભી રેખાઓ હોવાથી તે ખૂબ મર્યાદિત માહિતી જ સંગ્રહિત કરી શકતો હતો. હારાએ આ ખામી દૂર કરવા માટે 2D કોડ બનાવવાનો વિચાર કર્યો, જેમાં આડી અને ઊભી બંને દિશામાં માહિતી રાખી શકાય.
તેમણે ચોરસ આકારમાં QR (ક્વિક રિસ્પોન્સ) કોડ બનાવ્યો, જેમાં હજારો અક્ષરો અથવા માહિતીનો ડેટા સંગ્રહિત થઈ શકે છે. આ કોડ સ્કેન કરતાં તરત જ માહિતી વાંચી શકાય છે અને ચુકવણી અથવા કોઈ અન્ય પ્રક્રિયા સેકંડોમાં પૂર્ણ થઈ જાય છે. રસપ્રદ વાત એ છે કે જ્યારે શરૂઆતમાં લોકો માનતા હતા કે QR કોડનો યુગ પૂરો થઈ ગયો છે, ત્યારે સ્માર્ટફોનના વધતા ઉપયોગને કારણે ખાસ કરીને ચીનમાં તેનો પુનર્જન્મ થયો અને તે વિશ્વભરમાં લોકપ્રિય બન્યો.
હવે સૌથી રસપ્રદ પ્રશ્ન આ શોધને હજુ સુધી પેટન્ટ કેમ નથી કરાયું? માસાહિરો હારા અને તેમની ટીમનો હેતુ આ ટેકનોલોજીનું વ્યાપક પ્રસાર કરવાનું હતું. તેઓ ઇચ્છતા હતા કે દુનિયાભરના લોકો QR કોડનો મુક્તપણે ઉપયોગ કરી શકે અને ટેકનોલોજીની વિકાસયાત્રામાં અવરોધ ન આવે. એટલે તેમણે તેને પેટન્ટ કરાવ્યું જ નહીં. પરિણામે આજે QR કોડ એક “ઓપન સ્ટાન્ડર્ડ” ટેકનોલોજી તરીકે ઓળખાય છે, જે કોઈ પણ વ્યક્તિ કે કંપની વિનામૂલ્યે ઉપયોગ કરી શકે છે.
આ રીતે એક સરળ પરંતુ ક્રાંતિકારી વિચાર માસાહિરો હારાના મગજમાંથી જન્મેલો દુનિયાને કેશલેસ અર્થતંત્ર તરફ આગળ ધપાવવામાં મોટું યોગદાન આપી ગયો.