2026માં મોબાઇલ રિચાર્જ થશે વધુ મોંઘું, 20% ટેરિફ હાઇકથી ખિસ્સા પર વધશે ભાર

વૈશ્વિક રોકાણ બેંક મોર્ગન સ્ટેન્લીના રિપોર્ટ અનુસાર, 2026માં ટેલીકૉમ કંપનીઓ 4G અને 5G બંને પ્લાન્સમાં પ્રીપેઇડ તથા પોસ્ટપેઇડ કેટેગરીમાં 16થી 20 ટકા સુધી ટેરિફ વધારી શકે છે.

New Update
RECHARGE

વર્ષ 2026થી દેશના મોબાઇલ યુઝર્સને મોટો ઝટકો લાગી શકે છે, કારણ કે ભારતની મોટી ટેલીકૉમ કંપનીઓ રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયા (Vi) તેમના તમામ પ્રીપેઇડ અને પોસ્ટપેઇડ પ્લાન્સના ટેરિફમાં નોંધપાત્ર વધારો કરવાની તૈયારીમાં છે.

અહેવાલો અનુસાર, આ વધારો 16થી 20 ટકા સુધીનો હોઈ શકે છે, જેના કારણે રિચાર્જ કરાવવાનો ખર્ચ અત્યાર કરતાં ઘણી વધારે વધશે. 

આ ટેરિફ હાઇકને ટેલીકૉમ ઇન્ડસ્ટ્રીના નિયમિત રિવિઝનનો ભાગ માનવામાં આવી રહ્યો છે, જેનો મુખ્ય હેતુ કંપનીઓની આવકમાં વધારો અને 4G-5G નેટવર્ક માટેની ભારે મૂડીરોકાણની ભરપાઈ કરવાનું છે.

વૈશ્વિક રોકાણ બેંક મોર્ગન સ્ટેન્લીના રિપોર્ટ અનુસાર, 2026માં ટેલીકૉમ કંપનીઓ 4G અને 5G બંને પ્લાન્સમાં પ્રીપેઇડ તથા પોસ્ટપેઇડ કેટેગરીમાં 16થી 20 ટકા સુધી ટેરિફ વધારી શકે છે. આ વધારાનો સીધો ફાયદો નાણાકીય વર્ષ 2027માં કંપનીઓની આવક અને નફામાં જોવા મળશે. સાથે જ, દરેક ગ્રાહક પાસેથી મળતી સરેરાશ આવક એટલે કે ARPUમાં પણ નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે કંપનીઓ ધીમે ધીમે સસ્તા પ્લાન્સ બંધ કરી રહી છે અને OTT સબ્સ્ક્રિપ્શન જેવા લાભોને મોંઘા પ્લાન્સ સાથે જોડી રહી છે, જેના કારણે ગ્રાહકો મજબૂરીમાં ઊંચા ભાવવાળા પ્લાન્સ પસંદ કરવા માટે વળગી રહેશે.

આ સંભવિત ટેરિફ હાઇકનો સૌથી મોટો લાભ ભારતી એરટેલને મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મોર્ગન સ્ટેન્લીના વિશ્લેષણ મુજબ, અગાઉ જ્યારે ટેરિફમાં વધારો થયો હતો, ત્યારે ભારતી એરટેલે તેની સ્પર્ધાત્મક કંપનીઓની સરખામણીમાં રેવન્યુ અને EBITDAમાં વધારે મજબૂતી દર્શાવી હતી. મજબૂત ગ્રાહક આધાર, ઉચ્ચ ARPU અને પ્રીમિયમ સર્વિસિસને કારણે એરટેલને આવનારા વધારાનો પણ વિશેષ ફાયદો થવાની અપેક્ષા છે.

જો પાછલા વર્ષો પર નજર કરીએ તો ટેલીકૉમ કંપનીઓએ વારંવાર ટેરિફમાં વધારો કર્યો છે. વર્ષ 2019માં મોબાઇલ રિચાર્જના ભાવમાં 15થી 50 ટકા સુધીનો મોટો વધારો થયો હતો. ત્યારબાદ 2021માં ફરી 20થી 25 ટકા સુધીના ભાવ વધારવામાં આવ્યા. વર્ષ 2024માં પણ કંપનીઓએ 10થી 20 ટકા સુધીનો વધારો કર્યો હતો. આ વર્ષે પણ આશરે 15 ટકા ટેરિફ વધારવાની ચર્ચા હતી, પરંતુ હજી સુધી એ લાગુ કરવામાં આવ્યું નથી. કંપનીઓનું કહેવું છે કે ટેલીકૉમ બિઝનેસને ટકાઉ રાખવા અને 5G નેટવર્કના વિસ્તરણ માટે આવા વધારા અનિવાર્ય બની ગયા છે, પરંતુ તેની સીધી અસર હવે સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર પડવાની છે.

Latest Stories