IMEI સાથે ચેડાં કરનારાઓ માટે કડક નિયમ: 50 લાખ દંડ અને 3 વર્ષની જેલ

હવે મોબાઇલ ફોનના 15 અંકના IMEI નંબર અથવા કોઈપણ ટેલિકોમ આઈડેન્ટિફાયર સાથે ફેરફાર કરવો ગેરકાયદે જ નહીં પરંતુ નોન-બેલેબલ અને ગંભીર ગુનો ગણાશે.

New Update
Department of Telecommunication

ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) એ મોબાઇલ ડિવાઈસ સાથે છેડછાડ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે અને હવે મોબાઇલ ફોનના 15 અંકના IMEI નંબર અથવા કોઈપણ ટેલિકોમ આઈડેન્ટિફાયર સાથે ફેરફાર કરવો ગેરકાયદે જ નહીં પરંતુ નોન-બેલેબલ અને ગંભીર ગુનો ગણાશે. સરકારે ટેલિકોમ સિક્યુરિટી મજબૂત બનાવવા તેમજ નકલી અને ગેરકાયદે ઉપકરણો પર નિયંત્રણ મેળવવા માટે કડક નિયમો અમલમાં મૂક્યા છે.

નવા નિયમો મુજબ, જો કોઈ વ્યક્તિ IMEI નંબર ડિલીટ કરે, બદલે અથવા તૃતીય પક્ષ સોફ્ટવેર કે હાર્ડવેર વડે તેમાં ફેરફાર કરે, તો તે માટે ત્રણ વર્ષની જેલ, 50 લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને સજાનો સામનો કરવો પડી શકે છે. સરકારનું માનવું છે કે IMEI નંબર બદલવાથી તપાસ એજન્સીઓ માટે ગુનેગારોને ટ્રેસ કરવું અત્યંત મુશ્કેલ બની જાય છે, જેના કારણે સાયબર ક્રાઈમ અને ગેરકાયદે પ્રવૃત્તિઓમાં વધારો થવાની શક્યતા રહે છે. આ કારણસર IMEI રજિસ્ટ્રેશન, ડિવાઈસ સર્ટિફિકેશન અને ટ્રેકિંગ સંબંધિત પ્રક્રિયાઓ વધુ સુવ્યવસ્થિત અને કડક બનાવી દેવામાં આવી છે.

DoT દ્વારા જારી કરાયેલા નવા માર્ગદર્શનમાં મોબાઈલ ફોન ઉત્પાદકો, બ્રાન્ડ ઓનર્સ, ઇમ્પોર્ટર્સ, સપ્લાયર્સ તેમજ તમામ વેચાણકર્તાઓને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે કે તેઓ ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2023 હેઠળના નિયમોનું સંપૂર્ણ પાલન કરે, કારણ કે ટેલિકોમ આઈડેન્ટિફાયર સાથેની કોઈપણ પ્રકારની છેડછાડ સીધી જ દંડનીય છે. આ ઉપરાંત, કોઈપણ ખોટા કે બદલાયેલા ટેલિકોમ આઈડેન્ટિફાયર ધરાવતા રેડિયો ડિવાઈસ — જેમ કે મોબાઈલ ફોન, મોડ્યુલ, મોડેમ, સિમ બોક્સ વગેરે — જાણીને પોતાની પાસે રાખવું પણ ગુનો છે અને આ બધાં ગુનાઓ બિન-જામીનપાત્ર છે.

નોંધનીય છે કે માત્ર IMEI બદલનારાઓ જ નહીં પરંતુ એવા લોકો પણ સજાના ભાગીદાર રહેશે, જે આ પ્રક્રિયામાં મદદ કરે છે, માર્ગદર્શન આપે છે અથવા પ્રોત્સાહન આપે છે. ટેલિકોમ સાયબર સિક્યુરિટી રૂલ્સ 2024 અનુસાર IMEI બદલી શકે એવાં સાધનો, સોફ્ટવેર અથવા હાર્ડવેરને મેળવવું, રાખવું કે તેનો ઉપયોગ કરવો પણ કાયદેસર ગુનો છે.

સરકારે IMEI રજિસ્ટ્રેશનને સંપૂર્ણપણે ફરજિયાત બનાવ્યું છે. નવી સિસ્ટમ અનુસાર, ભારતમાં ઉત્પાદિત દરેક મોબાઇલ ફોન, સિમ બોક્સ, મોડેમ અને અન્ય તમામ ટેલિકોમ ઉપકરણો માટે પ્રથમ વેચાણ, ટેસ્ટિંગ અથવા રિસર્ચ સરકારના Device Setu (ICDR) પોર્ટલ પર તેનો IMEI નંબર નોંધાવવા જરૂરી છે. વિદેશથી આયાત થનારા બધા ડિવાઈસ માટે પણ ભારતમાં પ્રવેશતા પહેલા IMEI રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે. સરકારનું કહેવું છે કે આ કડક નિયમો દેશની સાયબર સિક્યુરિટી, નકલી ઉપકરણોની રોકથામ, કર પાલન અને ટેલિકોમ નેટવર્કની સલામતી માટે અત્યંત જરૂરી છે અને આગળથી આવા તમામ કેસોમાં કોઈપણ પ્રકારની છૂટછાટ વિના કાર્યવાહી કરવામાં આવશે.

Latest Stories