/connect-gujarat/media/media_files/2025/11/04/access-cng-2025-11-04-13-59-48.jpg)
ટુ-વ્હીલર પ્રેમીઓ માટે એક નવી ખુશખબર છે. ટોક્યો મોટર શો 2025માં સુઝુકી મોટર કોર્પોરેશને એક નવી દિશામાં પગલું ભરતાં પોતાના વૈકલ્પિક ઇંધણ ટેકનોલોજી પ્રોજેક્ટ્સ રજૂ કર્યા છે.
સૌથી વધુ ચર્ચામાં રહેલા મોડેલોમાં સુઝુકી Access CNG અને હાઇડ્રોજન સંચાલિત બર્ગમેનનો સમાવેશ થાય છે. સુઝુકીએ બતાવ્યું કે હવે કાર્બન ન્યુટ્રલ ભવિષ્ય માત્ર ઇલેક્ટ્રિક ટેકનોલોજીથી નહીં, પરંતુ વિવિધ ઉર્જા સોલ્યુશનના સંયોજનથી શક્ય છે.
સુઝુકીએ શોમાં સીએનજી (Compressed Natural Gas) અને સીબીજી (Compressed Bio-Methane Gas) પર ચાલતું Access સ્કૂટર રજૂ કર્યું હતું. આ સ્કૂટર ડ્યુઅલ ફ્યુઅલ ટેન્ક સેટઅપ સાથે આવ્યું છે — જેમાં 6 લિટર સીએનજી ટેન્ક અને 2 લિટર પેટ્રોલ ટેન્ક છે. પેટ્રોલ ટેન્ક સીટની નીચે બાહ્ય ફ્યુઅલ ફિલર દ્વારા સરળતાથી ભરાય છે. એકવાર સંપૂર્ણપણે ફૂલ કરવાથી સ્કૂટર આશરે 170 કિલોમીટરનું અંતર કાપી શકે છે. જો કે, વધારાની ગેસ ટેન્ક અને પાર્ટ્સને કારણે સ્કૂટરનું કુલ વજન લગભગ 10 ટકા જેટલું વધ્યું છે.
આ શોમાં સુઝુકીએ ભારત-કેન્દ્રિત પોતાના બાયોગેસ પ્રોજેક્ટનું મોડલ પણ રજૂ કર્યું હતું, જે શોની મુખ્ય આકર્ષણ રહ્યું. કંપનીએ ભારતમાં ડેરી સહકારીઓ સાથે મળીને એવો પ્રોજેક્ટ વિકસાવ્યો છે, જે ડેરી કચરામાંથી કોમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) બનાવે છે. આ પ્રોજેક્ટ માત્ર સ્વચ્છ અને પુનઃપ્રાપ્ય ઊર્જા પૂરું પાડતો નથી, પરંતુ ગ્રામિણ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવામાં પણ મદદરૂપ છે.
સુઝુકીએ હાઇડ્રોજન ટેકનોલોજી ક્ષેત્રે પણ મોટું પગલું ભર્યું છે. ટોક્યો શોમાં કંપનીએ હાઇડ્રોજનથી ચાલતા બર્ગમેન 400 સ્કૂટરનું અદ્યતન કોન્સેપ્ટ રજૂ કર્યું હતું. આ મોડેલમાં 2023ના જાપાન મોબિલિટી શોમાં રજૂ કરાયેલા પ્રોટોટાઇપની સરખામણીમાં ઘણાં ટેકનિકલ સુધારાઓ કરવામાં આવ્યા છે. કંપનીએ “કટવે મોડેલ” મારફતે દર્શાવ્યું કે હાઇડ્રોજન એન્જિન ટેકનોલોજીમાં તે કેવી રીતે આગળ વધી રહી છે.
આ તમામ પ્રદર્શન સુઝુકીની “મલ્ટિ-પાથવે” રણનીતિને પ્રતિબિંબિત કરે છે. એટલે કે, કંપની કાર્બન ન્યુટ્રલ લક્ષ્ય હાંસલ કરવા માટે એક જ ટેકનોલોજી પર આધાર રાખવાની જગ્યાએ અનેક ઉર્જા વિકલ્પો પર કામ કરી રહી છે. બાયોગેસ, લો-કાર્બન ઇંધણ, હાઇડ્રોજન કમ્બશન અને ઇલેક્ટ્રિક પાવર જેવી વિવિધ ટેકનોલોજીને એકત્ર કરીને સુઝુકી એવા વ્યવહારુ ઉકેલો શોધી રહી છે, જે વિશ્વભરના વિવિધ બજારો અને વપરાશકર્તાઓની જરૂરિયાતોને અનુરૂપ હોય.