/connect-gujarat/media/media_files/2025/09/16/railways-2025-09-16-12-55-59.jpg)
ભારતીય રેલવેએ 'રેલવે ટિકિટ' બુકિંગમાં થતી છેતરપિંડી રોકવા માટે એક ખાસ પગલું હાથ ધર્યું છે. મળતી માહિતી મુજબ, રેલવે દ્વારા ઓનલાઈન ટિકિટ બુકિંગમાં મોટો ફેરફાર કરવામાં આવશે.
ભારતીય રેલવેએ 'રેલવે ટિકિટ' બુકિંગમાં થતી છેતરપિંડી રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે. 1 ઓક્ટોબરથી ઓનલાઈન ટિકિટ બુકિંગમાં મોટો ફેરફાર કરવામાં આવશે. આ અંતર્ગત 1 ઓક્ટોબરથી, રિઝર્વેશન ખુલ્યા પછી જેમનું આધાર વેરિફિકેશન થયું છે તેઓ જ પ્રથમ 15 મિનિટ માટે ઓનલાઈન ટિકિટ બુક કરી શકશે. આ નવો નિયમ IRCTC વેબસાઇટ અને મોબાઇલ એપ બંને પર લાગુ થશે.
જો કે, સ્ટેશન કાઉન્ટર સમય અને એજન્ટો સંબંધિત નિયમો સમાન રહેશે. અત્યાર સુધી આ નિયમ ફક્ત તત્કાલ ટિકિટ પર લાગુ થતો હતો પરંતુ હવે તે જનરલ રિઝર્વ ટિકિટ બુકિંગ પર પણ લાગુ કરવામાં આવી રહ્યો છે. આનો હેતુ નકલી બુકિંગ રોકવાનો છે.
ધારો કે, કોઈ મુસાફર 15 નવેમ્બરે નવી દિલ્હીથી વારાણસી જતી શિવ ગંગા એક્સપ્રેસ માટે ટિકિટ બુક કરવા માંગે છે, તો આ ટ્રેનનું બુકિંગ 16 સપ્ટેમ્બરે રાત્રે 12:20 વાગ્યે ખુલશે. રાત્રે 12:20 થી 12:35 વાગ્યા સુધી ફક્ત આધાર વેરિફિકેશન ધરાવતા યુઝર્સ જ ટિકિટ બુક કરી શકશે, જેમનું એકાઉન્ટ આધાર સાથે લિંક નથી તેઓ આ 15 મિનિટ દરમિયાન ટિકિટ બુક કરી શકશે નહીં. આ તે સમય છે, જ્યારે ટિકિટની માંગ સૌથી વધુ હોય છે.
દિવાળી, છઠ પૂજા, હોળી અને લગ્નની સિઝન દરમિયાન ટ્રેન ટિકિટની ભારે માંગ હોય છે. ટિકિટ બુકિંગ વિન્ડો ખુલતાની સાથે જ લોકો ટિકિટ મેળવવા માટે પડાપડી કરે છે. આ પરિસ્થિતિ લગભગ તત્કાલ ટિકિટ જેવી છે. નવા નિયમથી બુકિંગ પ્રક્રિયા વધુ પારદર્શક બનશે અને નકલી બુકિંગ ઘટશે તેવી અપેક્ષા છે.
આ પહેલા જુલાઈ 2025 થી તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર વેરિફાઇડ IRCTC એકાઉન્ટ ફરજિયાત કરવામાં આવ્યું છે. એવામાં જે મુસાફરો આધાર વેરિફિકેશન કરાવતા નથી તેઓ ઓનલાઈન તત્કાલ ટિકિટ બુક કરી શકતા નથી. હવે આ નિયમ જનરલ રિઝર્વેશન પર પણ લાગુ થવાનો છે.
આવી સ્થિતિમાં, મુસાફરોને 1 ઓક્ટોબર પહેલા તેમના IRCTC એકાઉન્ટને આધાર નંબર સાથે લિંક કરવાની સલાહ આપવામાં આવી છે. જનરલ રિઝર્વેશન માટે બુકિંગ દરરોજ રાત્રે 12:20 થી રાતના 11:45 વાગ્યા સુધી ખુલે છે અને ટિકિટ બુકિંગ મુસાફરીની તારીખના 60 દિવસ પહેલા શરૂ થાય છે. નવો નિયમ ફક્ત શરૂઆતના 15-મિનિટના સમયગાળા માટે જ લાગુ થશે, જ્યારે ટિકિટની માંગ સૌથી વધુ હશે.