/connect-gujarat/media/media_files/2025/11/23/sir-form-2025-11-23-14-19-23.jpg)
તમારું SIR (Special Summary Revision) ફોર્મ બૂથ લેવલ ઓફિસર (BLO) ને આપ્યા બાદ અથવા તમે તેને ઓનલાઈન ભરી દીધા પછી, સૌથી મહત્વનો પ્રશ્ન એ હોય છે કે ફોર્મ ચૂંટણી પંચના પોર્ટલ પર અપલોડ થયું છે કે નહીં. આ પ્રક્રિયા સરળ છે અને ઘરે બેઠા થોડા જ મિનિટોમાં ચકાસી શકાય છે. સૌપ્રથમ તમારું બ્રાઉઝર ખોલીને voters.eci.gov.in વેબસાઇટ પર જાઓ. હોમપેજ પર દર્શાવાયેલ ‘Fill Enumeration Form’ વિકલ્પ પર ક્લિક કરતા જ તમે લોગિન અથવા સાઇનઅપ પેજ પર પહોંચશો. પ્રથમ વખત ઉપયોગ કરતા હોય તો Sign Up પર ક્લિક કરીને તમારો મોબાઇલ નંબર, ઇમેઇલ ID (વૈકલ્પિક) અને કેપ્ચા દાખલ કરીને નોંધણી પૂર્ણ કરો. જો પહેલાથી એકાઉન્ટ હોય તો Login પર ક્લિક કરીને મોબાઇલ નંબર, કેપ્ચા અને પછી ‘Request OTP’ પસંદ કરો. પ્રાપ્ત થયેલું OTP દાખલ કરતાં તમે સફળતાપૂર્વક લોગિન થઈ જશો.
પોર્ટલમાં પ્રવેશ્યા બાદ ઉપર તમારી પ્રોફાઇલમાં તમારું નામ દર્શાવાશે. હવે ફરી એકવાર ‘Fill Enumeration Form’ વિકલ્પ પસંદ કરો. ખુલેલા પેજમાં આપેલા બોક્સમાં તમારો EPIC નંબર (મતદાર ID નંબર) દાખલ કરીને Search બટન દબાવો. જો તમારું SIR ફોર્મ સફળતાપૂર્વક અપલોડ થયું હશે તો તરત જ એક સંદેશ દેખાશે: “તમારું ફોર્મ પહેલાથી જ મોબાઇલ નંબર XXXXX સાથે સબમિટ કરવામાં આવ્યું છે.” આનો અર્થ છે કે તમારું ફોર્મ સિસ્ટમમાં યોગ્ય રીતે દાખલ થઈ ગયું છે.
જો આ સંદેશ ન દેખાય અને એની જગ્યાએ નવું ફોર્મ ભરવાનું પેજ ખુલશે, તો તેનો અર્થ એ થાય છે કે તમારું SIR ફોર્મ હજુ સુધી અપલોડ થયું નથી. આવી સ્થિતિમાં તમને ફોર્મ ફરીથી ભરવું પડી શકે અથવા તમારા BLOનો સંપર્ક કરવો યોગ્ય રહેશે. સાથે જ જો સિસ્ટમમાં બતાવેલો મોબાઇલ નંબર ખોટો દેખાય, અથવા તમે ફોર્મ સબમિટ ન કર્યું હોય છતાં ‘submitted’ સ્ટેટસ દેખાય, તો પણ તરત જ તમારા સ્થાનિક BLO સાથે સંપર્ક સાધવો જરૂરી છે જેથી તમારી મતદાર માહિતીમાં કોઈ ભૂલ ન રહે.