“અછત” વચ્ચે ઓક્સિજન લીક..!: નાસિકની સરકારી હોસ્પિટલમાં 30 મિનિટ ઓક્સિજન સપ્લાય અટક્યો, 22 દર્દીઓનું થયું મોત

New Update
“અછત” વચ્ચે ઓક્સિજન લીક..!: નાસિકની સરકારી હોસ્પિટલમાં 30 મિનિટ ઓક્સિજન સપ્લાય અટક્યો, 22 દર્દીઓનું થયું મોત

મહારાષ્ટ્રના નાસિકની જાકિર હુસૈન હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લીક થવાની ઘટના સર્જાઈ હતી. જેમાં ઓક્સિજનનો સપ્લાય લગભગ 30 મિનિટ સુધી અટકી ગયો હતો. જેના પગલે 22 દર્દીઓના મોત થયા છે, ત્યારે હજી પણ 30થી 35 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. નાસિકના જિલ્લા અધિકારી સૂરજ માંઢરેએ સમગ્ર ઘટનાની પુષ્ટિ કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, નાસિકની જાકિર હુસૈન હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લીક થવાની ઘટનાની વાત કરીએ તો, ટેન્કમાંથી આવતા સપ્લાઈ પાઈપમાં લીકેજ થયું હતું. હાલ તેને સુધારવામાં આવ્યું છે. આ લીકેજ દરમિયાન 20 કિલો લિક્વિડ ઓક્સિજન વેડફાઈ ગયો હતો. ઓક્સિજનનો સપ્લાઈ અટકવાથી હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સ્વાસ્થય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યુ હતું કે, નાસિકમાં ઓક્સિજન લીકેજની માહિતી મળતા જ ત્યાંના પ્રશાસન સાથે સતત સંપર્કમાં રહી તમામ માહિતી મેળવવામાં આવી છે. જોકે હાલ હોસ્પિટલની સાથે જિલ્લા પ્રશાસને પણ આ લીકેજની તપાસ શરૂ કરી દીધી છે. જે સમયે ઓક્સિજનનો સપ્લાઈ રોકાઈ ગયો તે સમયે 171 દર્દીઓ ઓક્સિજન પર અને 67 દર્દીઓ વેન્ટીલેટર પર હતા. સમગ્ર ઘટનામાં 22 દર્દીઓના મોત જ્યારે 30થી 35 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

Latest Stories