પાકિસ્તાન : પેશાવરમાં રાજ કપૂરની 'કપૂર હવેલી' ધરાશાયી થવાનો ખતરો

New Update
પાકિસ્તાન : પેશાવરમાં રાજ કપૂરની 'કપૂર હવેલી' ધરાશાયી થવાનો ખતરો

પેશાવરમાં બોલિવૂડના મશહૂર અભિનેતા સ્વ. પૃથ્વીરાજ કપૂરના પરિવારની ઐતિહાસિક ખાનદાની હવેલી એટલી હદે જર્જરિત થઈ ગઈ છે કે તે કોઈપણ સમયે ધરાશાયી થઈ શકે છે. પાકિસ્તાન સરકારનો ઈરાદો આ વારસાને સંગ્રહાલયમાં પરિવર્તિત કરવાનો છે, પરંતુ હવેલીના માલિક સાથેનો સોદો થઈ શક્યો નથી.

પૃથ્વીરાજ કપૂરના પૌત્ર અભિનેતા સ્વ. ઋષિ કપૂરે પેશાવરના કિસ્સા ખ્વાની બજાર સ્થિત આ ખાનદાની કપૂર હવેલીને સંગ્રહાલયમાં ફેરવવા વિનંતી કરી હતી. 2018 માં, પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મોહમ્મદ કુરેશીએ પણ તેમની ઇચ્છા પૂરી કરવાની વાત કરી હતી. પરંતુ આ વિસ્તારના લોકોનું કહેવું છે કે હવેલી હવે ભૂત બંગલો બની ગઈ છે. તેની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે તે ગમે ત્યારે જમીનદોસ્ત થઈ શકે છે.

ખૈબર પખ્તુનખ્વાની પ્રાંતિય સરકાર હવેલીના ઐતિહાસિક મહત્વને સમજે છે અને પર્યટનને પ્રોત્સાહન આપવા માટે તેના મૂળ સ્વરૂપને જાળવવા માંગે છે. સરકારે પણ તેને ખરીદવાનો પ્રયાસ કર્યો, પરંતુ મામલો ભાવ પર અટકી ગયો. સરકારની સુસ્તીને જોતાં સ્થાનિક લોકો ડર અનુભવે છે કે જર્જરિત હવેલી ક્યાંક પડી ના જાય. પેશાવરના સ્થાનિક રહેવાસી મુજીબને હજી યાદ છે કે બાળપણ દરમિયાન અભિનેતા ઋષિ કપૂર તેના ભાઈ રણધીર કપૂર સાથે અહીં આવ્યા હતા.

કપૂર હવેલીનો માલિક, મુહમ્મદ ઇસરાર શહેરનો જાણીતો શ્રીમંત ઝવેરી છે. તે આ સ્થાન પર એક વ્યાવસાયિક ઇમારત બનાવવા માંગે છે. તેણે હવેલી તોડી નાખવા માટે ત્રણ-ચાર વાર પ્રયત્ન કર્યો પણ તે નિષ્ફળ ગયો. ખૈબર પખ્તુનખ્વાના હેરિટેજ વિભાગે આ કેસમાં ઇસરાર વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે.

પેશાવરની કપૂર હવેલીનું નિર્માણ પૃથ્વીરાજ કપૂરના પિતા બશેશ્વનાથ કપૂરે 102 વર્ષ પહેલાં કરાવ્યું હતું. પૃથ્વીરાજ કપૂર અને તેમના પુત્ર રાજ કપૂરનો જન્મ હવેલીમાં થયો હતો. કપૂર પરિવાર 1947 માં ભાગલા બાદ પેશાવર છોડીને ભારત આવી ગયો હતો.

Latest Stories