પંચમહાલ જીલ્લાના પાવાગઢ નજીક આવેલ ખૂણપીર દરગાહ પાસે કોઈ અજાણ્યા વાહનચાલકે દીપડાને ટક્કર મારતા ઇજાગ્રસ્ત થયો હતો. બનાવની જાણ થતા જ વન વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાનો વન વિસ્તાર પાવાગઢ જંગલ તેમજ શિવરાજપુર-જાંબુઘોડા સુધી પથરાયેલ છે. વધુમાં અહી જાંબુઘોડા વન્યપ્રાણી અભયારણ્ય પણ આવેલ છે. આ વિસ્તારના હાઇવે માર્ગની આસપાસ ઘણીવાર દીપડા સહિતના જંગલી પશુઓ ખોરાકની શોધમાં ફરતા રહે છે. અહીના ગ્રામીણ વિસ્તારમાં દીપડાઓ આવી જવાના પણ બનાવો બનતા રહે છે, ત્યારે હાલોલ નજીક આવેલા ખૂણપીર દરગાહ પાસે પસાર થતા હાઈવે માર્ગ ઉપર સાંજના સમયે કોઈ અજાણ્યા વાહનની ટક્કરે દિપડો ઇજાગ્રસ્ત થયો હતો. સમગ્ર મામલે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી, ત્યારે વન વિભાગની ટીમે બનાવ સ્થળે આવી ઈજાગ્રસ્ત દીપડાને જાંબુઘોડા વન વિભાગ ખાતે સારવાર અર્થે લઈ જવાતા માર્ગમાં જ ઇજાગ્રસ્ત દીપડાનું મોત થયું હતું. જોકે દીપડાનું મોત નીપજતાં વન વિભાગ દ્વારા આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.