પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુર પંથકમાં અતિભારે વરસાદના કારણે જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. અનરાધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન ખાબકેલા અતિભારે વરસાદને કારણે સમગ્ર પંથકમાં પૂર અને જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને સાંતલપુર તાલુકામાં સૌથી વધુ 15.5 ઇંચ અને પાડોશી રાધનપુર તાલુકામાં 13.5 ઇંચ વરસાદ નોંધાતાં જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનરાધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જ્યારે મુખ્ય માર્ગો અને સંપર્ક રસ્તાઓ બંધ થઈ જતાં સ્થાનિક તંત્ર અને નાગરિકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. સાંતલપુર તાલુકાના બાબરા, બાવેડા અને પરસુંદ ગામમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતાં ગામ બેટમાં ફેરવાઈ ગયા હતા. એટલું જ નહીં, ભારે વરસાદના કારણે કેટલાય ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ઘરોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિક રહીશોએ પોતાની કિંમતી ઘરવખરી બચાવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ગામના મુખ્ય માર્ગો સહિતના રસ્તાઓ જળમગ્ન થઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. તો બીજી તરફ, અસરગ્રસ્તોએ નુકસાનીના સર્વે અને કેશડોલની માંગ ઉઠાવી છે. ભારે વરસાદથી થયેલા નુકસાન અંગે સરકાર સમક્ષ સર્વે કરી તાત્કાલિક સહાય અને કેશડોલ ચૂકવવાની રજૂઆત કરવામાં આવશે.