વાવ-થરાદના ભાભરમાં 11 ઈંચ વરસાદે ભારે મુશ્કેલીઓ ઉભી કરી છે. વરસાદી પાણીથી નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા  છે, જ્યારે કેટલાય મકાનોમાં પાણી ફરી વળતાં લોકો ઘરવિહોણા બન્યા છે.

વાવ-થરાદ જિલ્લાના ભાભરમાં સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું છે. જેમાં ખાસ કરીને ભાભર જુના વિસ્તાર, સ્વરાજપુરા અને થરા ત્રણ રસ્તા વિસ્તારમાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. એટલું જ નહીં, ખીલે બાંધેલા પશુઓને પણ પશુપાલકોએ છોડી દઈ તેમના જીવ બચાવ્યા હતા. મકાનોમાં પાણી ભરાવાના કારણે ઘરવખરી, અનાજ, વીજ ઉપકરણો તેમજ પશુપાલન સાથે સંકળાયેલા લોકોને ભારે આર્થિક નુકસાન થયું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. વધુમાં ભાભરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવેના ચાલી રહેલા કામના કારણે ગટરલાઈન ઊભરી ગઈ છે. જેના પરિણામે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ રહ્યો નથી, જેથી રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં ક્યાંક કમરસમા તો ક્યાંક ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સ્થાનિકોના આક્ષેપ છે કે, પાલિકા તંત્ર સમયસર કામગીરીમાં સક્રિય ન બનતાં અને અણઘડ વહીવટના કારણે આ સ્થિતિ વધુ ગંભીર બની છે.