• અંકલેશ્વરમાં અંગદઝાડતી ગરમી

  • તાપમાનનો પારો 40 ડીગ્રી પાર

  • ઠંડા પીણાનો સહારો લેતા નજરે પડ્યા

  • પવન દેવે આપી થોડી રાહત

અંકલેશ્વરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી જતા શહેરીજનો કાળઝાળ ગરમીમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અંકલેશ્વર શહેરમાં ઉનાળાની તીવ્ર ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધતો જાય છે. શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી જતા શહેરીજનોમાં ત્રાહિમામ મચી ગયો છે. ખાસ કરીને બપોરના સમયે ગરમીનું પ્રમાણ વધુ હોવાને કારણે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
ગરમીના કારણે શહેરના મુખ્ય રાજમાર્ગો પર વાહનોની અવર જવર પણ નોંધપાત્ર રીતે ઘટી ગઈ છે. સામાન્ય રીતે વ્યસ્ત રહેતા રસ્તાઓ બપોર દરમિયાન સૂમસામ દેખાય છે. કામકાજ માટે જ જરૂરી હોય ત્યારે જ લોકો બહાર નીકળતા જોવા મળે છે.ગરમીથી રાહત મેળવવા માટે શહેરીજનો શેરડીનો રસ, ઠંડા પીણાં અને આઈસક્રીમ જેવા વિકલ્પો તરફ વળી રહ્યા છે.
શેરડીના રસના ગાડા અને ઠંડા પીણાંના સ્ટોલ પર લોકોની ભીડ પણ જોવા મળી રહી છે. પવનની લહેરો થોડી રાહત આપે છે, પરંતુ તાપમાનમાં ખાસ ઘટાડો નોંધાયો નથી. હવામાન વિભાગ મુજબ આવનારા દિવસોમાં પણ ગરમીનો પારો યથાવત રહેવાની શક્યતા છે.આ પરિસ્થિતિમાં આરોગ્ય નિષ્ણાતો દ્વારા નાગરિકોને પૂરતું પાણી પીવું, સીધા સૂર્યપ્રકાશથી બચવું અને બપોરના સમયે અનાવશ્યક બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે.