નર્મદા જિલ્લામાં જંગલ જમીનના ખેડાણને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે મહત્વની રાજકીય હલચલ જોવા મળી છે. સાંસદ મનસુખ વસાવા અચાનક ગાંધીનગર પહોંચ્યા હતા.નર્મદા જિલ્લામાં જંગલ વિસ્તારમાં વર્ષોથી ખેતી કરતા ખેડૂતોની જમીન અંગે વન વિભાગની કાર્યવાહી અને જમીનના હક્કને લઈને વિવાદ ઊભો થયો છે. ખેડૂતોનો દાવો છે કે તેઓ લાંબા સમયથી આ જમીન પર ખેતી કરી રહ્યા છે, જ્યારે જંગલ જમીનના નિયમો અને હક્કના મુદ્દે વન વિભાગની કાર્યવાહી સામે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે.
આ મુદ્દે ખેડૂતોની રજૂઆતો અને સ્થાનિક સ્તરે વિરોધ બાદ મામલો હવે રાજ્ય સરકાર સુધી પહોંચ્યો છે.દિલ્હી જવા રવાના થયેલા સાંસદ મનસુખ વસાવાને અચાનક ગાંધીનગરનું તેડું આવતા તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા. ત્યારબાદ મોડી રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે તેમની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં નર્મદા જિલ્લામાં જંગલ જમીનના ખેડાણને લઈને ચાલી રહેલા વિવાદ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વિવાદનો વહેલી તકે ઉકેલ આવે અને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ આવે તે દિશામાં ચર્ચા કરવામાં આવી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાંસદ મનસુખ વસાવાને દિલ્હીથી પરત ફર્યા બાદ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી સાથે બેઠક કરવા પણ અનુરોધ કર્યો છે.
નર્મદા જિલ્લાના જંગલ જમીન ખેડાણના મુદ્દે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદના ઉકેલ માટે હવે સરકાર સ્તરે પ્રયાસો તેજ થયા છે. સમગ્ર મામલે વહેલી તકે નિરાકરણ આવે તે માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
