ભરૂચ જિલ્લાના ઝઘડીયા ગામ નજીક આવેલ રાજપારડી-માધવપુરા રેલવે ગરનાળામાં ગંદા અને દુર્ગંધ મારતા પાણી વચ્ચેથી સ્થાનિકો સહિત વાહનચાલકો અવરજવર કરવા મજબુર બન્યા છે.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામ નજીક આવેલા માધવપુરા વિસ્તારના રેલવે ગરનાળામાં કાયમી ધોરણે ભરાઈ રહેતા ગંદા અને દુર્ગંધ મારતા પાણીના કારણે સ્થાનિક રહીશો તેમજ વાહનચાલકોની સ્થિતિ અત્યંત દયનીય બની છે. વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય માર્ગથી માધવપુરા વિસ્તાર તરફ જવાનો આ એકમાત્ર મુખ્ય રસ્તો હોવાથી અહીંના હજારો નાગરિકો રોજબરોજ અહી દુર્ગંધયુક્ત પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. સ્થાનિકોએ આક્રોશ સાથે જણાવ્યુ હતું કે, તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ગરનાળામાંથી પાણીના કાયમી નિકાલ માટે ડ્રેનેજ કે, પમ્પિંગની સુવિધા કરવામાં આવે તથા સ્થાનિકોની સુગમ અવરજવર માટે યોગ્ય વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે, ત્યારે તંત્ર દ્વારા ગરનાળાની ગંદકી દૂર કરી કાયમી નિવારણ લાવવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં આમરણાંત ઉપવાસ પર બેસવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે.