રાજ્ય સરકારની વ્યક્તિલક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચાડવાના હેતુથી નવીન કાર્યપદ્ધતિના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં તા. ૨૧ સપ્ટેમ્બરથી તા. ૦૯ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન સેવા સેતુ ૨.૧ ગ્રામ્ય યોજાશે. સેવા સેતુ અંતર્ગત વિવિધ સરકારી સેવાઓ અને વ્યક્તિલક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓને તેમના નજીકના સ્થળે મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.

સેવા સેતુ ૨.૧ ગ્રામ્યના પ્રથમ તબક્કા અંતર્ગત તા. ૧૯ સપ્ટેમ્બર સુધી લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે જરૂરી દસ્તાવેજો તૈયાર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ જિલ્લા પંચાયતની બેઠક તેમજ તાલુકા દીઠ કલસ્ટર બનાવી સેવા સેતુ કાર્યક્રમ યોજી, વિવિધ સરકારી યોજનાઓનો લાભ પાત્ર લાભાર્થીઓને આપવામાં આવશે.સેવા સેતુ ૨.૧ ગ્રામ્યના સફળ અને સુચારૂ આયોજન માટે જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને ભરૂચ ખાતે બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસર ધારાસભ્ય ડી.કે,સ્વામી, ભરૂચ નગર પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, નિવાસી અધિક કલેક્ટર આર.બી.ભોગાયતા, પ્રાંત અધિકારી મનિષા મનાણી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.