ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે. તેણે ક્વાર્ટર ફાઇનલમાં ચોથી સીડ જાપાનની અકાને યામાગૂચીને 21-13, 22-20થી હરાવી છે. આ મેચ 56 મિનિટ સુધી ચાલી હતી. પીવી સિંધુ સતત બીજા ઓલિમ્પિકમાં મેડલ જીતવાથી માત્ર એક જ જીત દૂર છે. રિયો ઓલિમ્પિકમાં તેણે સિલ્વર મેડલ જીત્યો હતો.
સિંધુ અને યામાગૂચીની વચ્ચે આ અત્યાર સુધીનો 19મો મુકાબલો હતો. તેમાં સિંધુએ 12મી વખત જીત મેળવી છે.ટોક્યો ઓલિમ્પિકમાં શુક્રવારે ભારત માટે શાનદાર સમાચાર આવ્યા છે. મહિલા બોક્સર લવલિના બોરગોહેને 96 કિલોગ્રામ વેઇટ કેટેગરીની સેમીફાઈનલમાં સ્થાન મેળવીને દેશ માટે વધુ એક મેડલ કન્ફર્મ કરી દીધું છે. જો કે અન્ય એક મહિલા બોક્સર સિમરનજીત કૌર 60 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં હારી જતાં બહાર થઈ ગઈ છે.
બીજી તરફ તીરંદાજમાં દીપિકા કુમારી ક્વાર્ટર ફાઈનલમાં હારી ગઈ છે. જ્યારે, મહિલા હોકી ટીમે આયરલેન્ડને 1-0 થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાની આશા કાયમ રાખી છે. શનિવારે ભારતનો સામનો સાઉથ આફ્રિકા સામે થશે. ત્યારબાદ નક્કી થશે કે મહિલા હોકી ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચે છે કે નહીં.
