વન વિભાગ દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી

સિંહ સંરક્ષણ અંગે જનજાગૃતિ માટે મહારેલી યોજાઈ

3000થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા મહારેલી પણ યોજાઈ

સિંહ સહિતના વન્યજીવોના સંરક્ષણ અંગે જાગૃતિનો પ્રયાસ  

સિંહ હુમલાનો સામનો કરનાર માલધારીનું કરાયું સન્માન

ભાવનગરમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વન વિભાગ,રાજહંસ નેચર ક્લબ ટ્રસ્ટ અને સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો.

વિશ્વભરમાં એશિયાટિક સિંહોના એકમાત્ર કુદરતી વસવાટ એવા ગીર અને બૃહદ ગીર વિસ્તારમાં સિંહોના સંરક્ષણ અને તેમના કુદરતી રહેઠાણને સુરક્ષિત રાખવા જનજાગૃતિ ફેલાવવાના હેતુથી ભાવનગરમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વન વિભાગ, રાજહંસ નેચર ક્લબ ટ્રસ્ટ અને સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે સરદારનગર સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમની અધ્યક્ષતા નાયબ વન સંરક્ષક યોગેશકુમાર દેસાઈએ કરી હતી. કાર્યક્રમ દરમિયાન વન્યજીવોના સંરક્ષણ, સિંહોના કુદરતી રહેઠાણનું જતન અને માનવ-વન્યજીવ સહઅસ્તિત્વ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે ઉપસ્થિત મહાનુભાવોએ માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે તાજેતરમાં પાલીતાણા નજીક સિંહણના અચાનક હુમલાનો સામનો કરનાર કાળુ ભરવાડનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ સ્વામિનારાયણ ગુરુકુળના 3000થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા મહારેલી યોજવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ સિંહ સંરક્ષણ અંગેના વિવિધ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી જાહેર જનતામાં સિંહ અને અન્ય વન્યજીવોના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો.