મહુવાના બાંભણિયા ગામે દીપડાનો આતંક

વાડીએ જઈ રહેલા માસૂમ નિત્યને દીપડાએ દબોચ્યો

10 વર્ષના નિર્દોષ બાળકને ફાડી ખાધો

વન્ય પશુઓનો રંજાડ વધતા સ્થાનિકોમાં ભારે આક્રોશ

શ્રમિક પિતાના વ્હાલસોયા દીકરાને કાળ ભરખી ગયો

ભાવનગરમાં મહુવા અને રાજુલા પંથકમાં વન્ય પશુઓ અને ખાસ કરીને દીપડાનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મહુવા તાલુકાના બાંભણિયા ગામે એક 10 વર્ષના માસૂમ બાળકને દીપડાએ ફાડી ખાતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ભાવનગરમાં મહુવા તાલુકાના બાંભણિયા ગામે રહેતો 10 વર્ષનો માસૂમ નિત્ય પ્રકાશભાઈ ગોડલીયા સાંજના સમયે પોતાના ઘરેથી મોભિયાણા ગામ તરફ આવેલી વાડીએ જઈ રહ્યો હતો. બરાબર એ જ સમયે ઝાડીઓમાંથી અચાનક ત્રાટકેલા કાળમુખા દીપડાએ નિત્ય પર હુમલો કરી દીધો અને તેને ઢસડીને લઈ ગયો હતો.

બાળક ઘરે ન પહોંચતા અને ઘટનાની જાણ થતા જ પરિવારજનો અને સ્થાનિકોએ તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી. ભારે શોધખોળ બાદ માસૂમ નિત્ય લોહીલુહાણ અને ગંભીર હાલતમાં મળી આવ્યો હતો.

લોહીલુહાણ હાલતમાં બાળકને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ અરેરાટી તો ત્યારે વ્યાપી જ્યારે ફરજ પરના ડોક્ટરે આ માસૂમને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાથી પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે, કારણ કે મૃતક નિત્ય આ ગરીબ શ્રમિક પરિવારનો એકનો એક દીકરો હતો. દીકરાના મોતના સમાચાર મળતા જ માતા-પિતાના આક્રંદથી હોસ્પિટલની દીવાલો પણ ધ્રુજી ઉઠી હતી.

આ કરુણ ઘટનાને પગલે બાંભણિયા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં વન વિભાગ સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં વન વિભાગ દીપડાને પાંજરે પૂરવામાં નિષ્ફળ રહ્યું છે, જેના કારણે આજે એક માસૂમનો જીવ ગયો છે. લોકો હવે વન વિભાગ પાસે તાત્કાલિક દીપડાને પકડવાની અને પીડિત પરિવારને ન્યાય આપવાની માંગ કરી રહ્યા છે.