રાજકોટ : સાંસદ અભય ભારદ્વાજનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન, અશ્રુભીની આંખે વિદાય

New Update
રાજકોટ : સાંસદ અભય ભારદ્વાજનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન, અશ્રુભીની આંખે વિદાય

રાજકોટના મોટામૌવા સ્મશાન ખાતે રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અંતિમક્રિયા પૂર્ણ કરવામાં આવી.

ચેન્નઈમાં કોરોનાની સારવાર દરમિયાન રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજે 1 લી ડિસેમ્બરના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. આજે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. તેમના પાર્થિવ શરીરને અંતિમવિધિ માટે ચેન્નઈથી અમદાવાદ હવાઈ માર્ગે લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ અમદાવાદથી વાયા રોડ શબવાહિનીમાં તેમના મૃતદેહને રાજકોટ લાવવામાં આવ્યો હતો. બપોરે 1થી 3 કલાક દરમિયાન તેમના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ભાજપના મંત્રી મંડળના સભ્યોએ અંતિમ દર્શન કર્યા હતા. ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધી અનુસાર કોરોનાની ગાઈડલાઈન મુજબ માત્ર પરિવાર તેમજ નજીકના લોકો સાથે તેમની અંતિમ યાત્રા નિકળી હતી. અંતિમયાત્રા સમયે અભયભાઈ ભારદ્વાજના પાર્થિવ શરીરને કાંધ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ તેમની પુત્રી, નાનાભાઈ નીતિન ભારદ્વાજ સહિતનાઓએ આપી હતી.

અભયભાઈ ભારદ્વાજના નિવાસ્થાને પરિવારજનોમાં શોકની લાગણી જોવા મળી હતી. અશ્રુભીની આંખે સાંસદને અંતિમ વિદાય આપવામાં આવી હતી. તેમના નિવસ્થાનેથી નીકળી અંતિમયાત્રા મોટામૌવા સ્મશાન ખાતે પૂર્ણ થઈ હતી. જ્યાં તેમને અગ્નિદાહ આપી ઇલેક્ટ્રીક ભઠ્ઠીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી મૃતદેહ પંચમહાભૂતમાં વિલીન થયો ત્યાં છેલ્લે સુધી અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા હતા.

સીએમ વિજય રૂપાણીએ અભયભાઈ ભારદ્વાજને શ્રદ્ધાંજલિ પાઠવી જણાવ્યું હતું કે, તાજેતરમાં જ તેઓ રાજ્યસભાના સાંસદ બન્યા હતા. કોરોના સામે પણ અભયભાઈ ભારદ્વાજ એ ખૂબ મોટી લડત આપી હતી. ૯૦ દિવસ કરતા વધુ સમય તેમની સારવાર ચાલી હતી. અભયભાઈ ભારદ્વાજના નિધનથી સૌરાષ્ટ્રના એડવોકેટ જગતને મોટી ખોટ પડી છે અને અમારા મિત્રોમાં પણ એક બહુ મોટી ખોટ પડી છે.

Latest Stories