રાજકોટ જિલ્લાના જેતપુરમાં 2 દિવસ પહેલા દાગીનાના વેપારી ચીમનભાઈની આંખ પર ચટણી ઢોળી 710 ગ્રામ અંદાજે 28 લાખ રૂપિયા સહિત રોકડ 2 લાખ મળી 30 લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
જેતપુરમાં 2 દિવસ પહેલા ચીમનભાઈ નામના વેપારી મતવા શેરીથી રમાકાન્ત રોડ પર જઈ રહ્યા હતા ત્યારે તેમની આંખમાં ચટણી નાંખી 710 ગ્રામ સોનુ અંદાજિત કિંમત 28,40,000 તેમજ 2 લાખ રૂપિયા રોકડા મળી 30,40,000 રૂપિયાના મુદ્દામાલની લૂંટ ચલાવવામાં આવી હતી. લૂંટ ચલાવનારા આરોપીઓની રાજકોટના કોઠારીયા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. જેમાં સાકીર મુસા, સમીર ઉર્ફે ભડાકો, તુફેલ ઉર્ફે બબો, તેમજ અકબર જુસબભાઇ બગડિયા સહિતનાનો સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ આરોપી ઓએ આર્થિક ફાયદો મેળવવા માટે લૂંટ કરી હોવાનું ખુલ્યું છે. તેઓએ લૂંટ કરવા માટે આ સ્થળ પાર અગાઉ રેકી પણ કરી હતી. અને ત્યાર બાદ જે મોટર સાયકલ ઉપયોગમાં લીધી હતી તેની નંબર પ્લેટમાં છેડછાડ કરી હતી. પરંતુ CCTV ના આધારે તપાસ કરતા ચારેય આરોપી રાજકોટના કોઠારીયા ખાતેથી ઝડપાઇ આવ્યા હતા.
સોનાના દાગીના આશરે રૂપિયા 28,40,000, રોકડ રૂપિયા 1,43,000, 5 નંગ મોબાઇલ આશરે 12000 રૂપિયા તેમજ મોટર સાયકલ આશરે 15000 રૂપિયા મળી કુલ 30,10,050 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.