રાજકોટ સહિત રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ લાદવાની પરિસ્થિતિને એક સપ્તાહ જેટલો સમય પૂર્ણ થઇ ચૂક્યો છે. ત્યારે છેલ્લા એક સપ્તાહમાં રાજકોટ અમદાવાદ વડોદરા અને સુરત ચાર મહાનગરોમાં કરફ્યુ ભંગ ના હજારોની સંખ્યામાં ગુના નોંધાયા છે. તો બીજી તરફ રાત્રી કર્ફ્યુ નો ભંગ કરનાર કેટલાક નબીરાઓને પોલીસે મેથીપાક ચખાડયા હોવાની વાત પણ સામે આવી રહી છે. ત્યારે રાજકોટમાં માસ્ક ન પહેરવા બાબતે પોલીસની સામે ખુદ પતિએ જ પત્નીના મોર બોલાવ્યા હોવાનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
ગુજરાત રાજ્યનો કોરોના પોઝિટિવ દર્દીનો કેસ સૌપ્રથમ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં નોંધાયો હતો. જે બાદ રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં લોકડાઉનની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. રાજયમાં કોરોના કાબૂમાં આવતા અનલોકની પ્રક્રિયામાં તમામ ગતિવિધિ પરના પ્રતિબંધ તબક્કાવાર હટાવવામાં આવ્યા હતા. જોકે દિવાળીના તહેવાર બાદથી ફરી કોરોનાએ માથું ઊંચકતા રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લાદી દેવામાં આવ્યું છે. એક સપ્તાહ જેટલો સમય રાત્રિ કરફ્યુને થઈ રહ્યો છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ સહિત વગર કામ બહાર નીકળતા લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. જો કે આ વચ્ચે રાજકોટમાં પોલીસ કાર્યવાહી દરમિયાન જ પતિએ પત્નીને તમાચો મારી દીધાનો વિડિયો વાઇરલ થયા બાદ ચકચાર મચી છે.
રાજકોટમાં શુક્રવારની રાત્રે શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ત્રિકોણબાગ પાસે એક દંપતિ ટુ વ્હીલ લઈને રાત્રી કર્ફ્યુમાં બહાર નીકળ્યું હોય તેઓ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો કુલ ત્રણ મિનિટ અને નવ સેકન્ડનો છે. વાયરલ વિડિયો બાઇકચાલકે મોઢા ઉપર રૂમાલ બાંધ્યો છે જ્યારે તેની પાછળ બેઠેલી પત્નીએ માસ્ક અથવા તો મોઢા પર દુપટ્ટો બાંધ્યો નથી. ત્યારે મહિલા પોલીસ દ્વારા દંપતીને રોકી કાર્યવાહી કરવામાં આવે છે માસ્ક ન પહેરવા બાબતે દંડ ભરવાનું જણાવે છે. ત્યારે બાઈકચાલકની પત્ની બહાના બતાવી રકઝક કરે છે. પતિ તેની પત્નીના આ વ્યવહારથી ગુસ્સે ભરાય છે અને ઉશ્કેરાઈને પોલીસકર્મીઓની હાજરીમાં જ જોરથી તમાચો ફટકારે છે. પોલીસ અધિકારીઓની હાજરીમાં જ તમાચો ઝીંકી દીધા હોવાનો વિડિયો હાજરજને મોબાઇલમાં કેદ કરી વાઇરલ કર્યો છે.
ત્યારે સમગ્ર મામલે પોલીસ સુત્રોનું માનીએ જે પ્રકારે પતિએ પત્નીને પોલીસની હાજરીમાં માર માર્યો હતો તે બાબતે ફરજ પર હાજર રહેલા પોલીસ અધિકારીઓએ પત્નીને તેના પતિ વિરુદ્ધ ફરિયાદ કરવી હોય તો કરી શકે છે તેવું જણાવ્યું હતું પરંતુ પત્નીએ આ મામલે કોઇપણ જાતની ફરિયાદ ન કરવી હોવાનું ફરજ પર હાજર રહેલા અધિકારીઓને જણાવ્યું હતું.