રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે નિમાયેલી SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)એ તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ કર્યો છે. SITએ તેના રિપોર્ટમાં ચોંકાવનારા તારણો રજૂ કર્યા છે.
સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીના રિપોર્ટમાં એવું તારણ રજૂ કરાયું છે કે, રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા 28 લોકોના મોતના જવાબદાર માટે મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ વિભાગ અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ જવાબદાર છે. ત્રણેય વિભાગની સંયુક્ત બેદરકારી અને મેળાપીપણામાં આ દુર્ઘટના બની છે. TRP ગેમઝોનના માલિકો સૌથી મોટા ગુનેગાર છે.
SITના રિપોર્ટમાં મુખ્યત્વે 3 વિભાગને જવાબદાર ઠેરવીને તેમની કઇ બેદરકારી છે, તે અંગે અલગ અલગ રિપોર્ટમાં રજૂઆત કરી છે. જેમા માર્ગ-મકાન વિભાગના અધિકારીઓએ ગેમિંગ ઝોન પર સ્થળ તપાસ જ નહીં કરી હોવાનું ચોંકાંવનારુ તારણ રજૂ કર્યુ છે, જયારે કોઇ સ્થળ પર વિશાળ સમુદાય એકત્ર થતો હોય, ત્યારે તેવા ટેમ્પરરી સ્ટ્રકચર માટે માર્ગ-મકાન વિભાગ પાસેથી મંજૂરી લેવાની હોય છે. તો બીજી તરફ, કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયર વિભાગે 3 વર્ષથી ચાલતા ગેરકાયદેસર ગેમિંગ ઝોન સામે એક પણ પગલાં લીધા નથી.
ગેમઝોન માટે પાકું બાંધકામ થયાને 3 વર્ષ વીતી જવા છતાં તેની સામે આંખ આડા કાન કરી લીધા હતા. રહેણાંક હેતુ માટે ફાળવેલી જમીન પર કોમર્શિયલ પ્રવૃતિ પુરજોશમાં ચાલતી હતી, છતાં તેને અટકાવવાના પ્રયત્નો થયા નથી, ત્યારે બેજવાબદાર અધિકારીઓના કારણે 28 લોકો મોતને ભેટ્યા છે.
