રાજ્યમાં ચૂંટણી માટે પ્રથમ તબક્કાના ફોર્મ ભરાઇ ગયા છે. જેમાં ઉમેદવારોએ રજૂ કરેલા સોગંદનામાના આધારે તેમના અભ્યાસ-મિલકત સહિતની વિગતો સામે આવી છે. જે પ્રમાણે રાજકોટ પૂર્વ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર તરીકે જાહેર કરેલા અને તાજેતરમાં જ આપમાંથી ફરીથી કોંગ્રેસમાં આવેલા આ બેઠકમાં ભૂતપૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ આ વખતે પણ સંભવત સૌથી ધનિક ઉમેદવાર બની શકે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.
ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ફોર્મ ભરતી વખતે સોગંદનામામાં જાહેર કર્યા પ્રમાણે, પત્ની સાથેની કુલ 200 કરોડ રૂપિયાની સંપત્તિ દર્શાવી છે. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે એટલે કે, 14મી નવેમ્બરના રોજ કોંગ્રેસમાંથી વિધાનસભા 68 બેઠક માટે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ભર્યુ હતું. પૂર્વ ધારાસભ્ય અને ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જાહેર કરેલ સોગંદનામું મુજબ તેમણે ધોરણ 12 પાસ સુધી અભ્યાસ કર્યો છે. તેમની પાસે રોકડા રૂ. 5.79 લાખ અને તેના પત્ની દર્શનાબેન પાસે રૂ. 34 હજાર દર્શાવ્યા હતા. પોતાના બેંક ખાતામાં ઇંદ્રનીલે થાપણ રોકાણ તરીકે રૂ.43 કરોડ બતાવ્યા હતા. ઇન્દ્રનીલ વૈભવી કારના શોખીન છે, તેમના નામે વોક્સવેગન, લેન્ડ રોવર, બીએમડબ્લ્યુ સહિતની કંપનીની કાર અને બીએમડબ્લ્યુ સહિતની કંપનીના બાઇક સહિત રૂ. 2.42 કરોડના વાહન છે. પત્ની પાસે રૂ. 33 લાખના વાહનો અને એક ડઝન વૈભવી કાર છે, ઇન્દ્રનીલ પાસે રૂ.34 લાખનું સોનું અને તેમના પત્ની પાસે રૂ. 2.89 લાખનું સોનું છે. આ સાથે 2021-22માં ઇન્દ્રનીલે રૂ. 41 લાખનું અને પત્ની દર્શનાબેન રૂ. 50 લાખનું રિટર્ન ભર્યું હતું, જ્યારે 2018-19માં ઇંદ્રનીલે 33 કરોડનું રિટર્ન ફાઇલ કર્યું હતું. ઇન્દ્રનીલ રાજ્યગુરુ પાસે અનેક સ્થળે ખેતીની જમીન, મકાન, ફ્લેટ અને પ્લોટ છે. વિવિધ સરવે નંબર, સુરેન્દ્રનગર, હડમતીયા બેડી, કાળીપાટ, રૈયામાં ખેતીની જમીન, વાંકાનેર તાલુકા, ભગવતીપરા સહિતના વિસ્તારોમાં જમીનના પ્લોટ, જાગનાથ, રૈયા રોડ, મુંજકા, રૈયાગામ અને ધારીમાં 48 કરોડથી વધુ કિંમતના મકાન પણ છે.