રાજપીપલા ટાઉનહોલ ખાતે “દિકરી દિવસ” ઉજવાયો

New Update
રાજપીપલા ટાઉનહોલ ખાતે “દિકરી દિવસ” ઉજવાયો

જીવનના દરેક ક્ષેત્રમાં મહિલાઓને પ્રોત્સાહિત કરી નારી શક્તિને જાગૃત કરવાની જરૂરિયાત પર ભાર મૂકતાં જિલ્‍લા પંચાયત પ્રમુખ દામાભાઇ વસાવા

નર્મદા જિલ્‍લામાં મહિલા સશક્તિકરણ પખવાડીયાની થઇ રહેલી ઉજવણીના ભાગરૂપે ગઇકાલે રાજપીપલા મુખ્યમથકે સરદાર ટાઉનહોલ ખાતે જિલ્‍લા પંચાયતના પ્રમુખ દામાભાઇ વસાવા, જાહેર આરોગ્ય સમિતિના અધ્યક્ષ દિનેશભાઇ તડવી, ગુજરાત બાળ અધિકાર સંરક્ષણ આયોજના ડિરેક્ટર ભારતીબેન તડવી, મુખ્ય જિલ્‍લા આરોગ્ય અધિકારી ડૉ. કે.પી. પટેલ, સિવિલ સર્જન ડૉ. સંગીતાબેન પરીખ, જિલ્‍લા દહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતેશ વસાવા અને આરોગ્ય પરિવારના તબીબો, આશા-બહેનો વગેરેની ઉપસ્થિતિમાં “દિકરી દિવસ” ની ઉજવણીના ઉપલક્ષમાં બેટી બચાવો – બેટી પઢાવો કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો.

જિલ્‍લા પંચાયતના પ્રમુખ દામાભાઇ વસાવાએ મહિલા સશક્તિકરણ માટે જિલ્‍લાના આદિવાસી અને અંતરિયાળ વિસ્તારમાં વિશેષ લોકજાગૃત્તિ કેળવવાની જરૂરિયાત પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, નારી એ પોતે જ શક્તિનું સ્વરૂપ છે, સમાજના દરેક ક્ષેત્રમાં તેને માત્ર પ્રોત્સાહિત કરીને જાગૃત્તિ કરવાની આવશ્યકતા છે. પોતાના માલસામોટ વિસ્તારમાં અગાઉ ગ્રામ્યકક્ષાએ આશાબહેનો તરીકે સેવામાં જોડાવાથી દૂર રહેતી બહેનોને પોતે જાતે ગામના હિતમાં આવી બહેનોને સમજૂત કરતાં આજે આશાબહેનો તરીકે શ્રેષ્‍ઠ સેવાઓ આપી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

જિલ્‍લા પંચાયતની જાહેર આરોગ્ય સમિતિના અધ્યક્ષ દિનેશભાઇ તડવીએ તેમના પ્રસંગોચિત ઉદબોધનમાં જણાવ્યું હતું કે, નારી તો દેવી શક્તિ છે. પ્રત્યેક નારીમાં અતૂટ શક્તિઓ સમાયેલી છે. પુરૂષ સમોવડી બનેલી આજની નારી – જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ઝંપલાવીને તેનામા રહેલા સામર્થ્યને ઉજાગર કર્યું છે, ત્યારે જિલ્‍લામાં તબીબ તરીકે સેવાઓ આપી રહેલા અને તેમાં પણ ખાસ મહિલા તબીબોને તેમના આરોગ્ય કેન્દ્રોમાં સારવાર માટે આવતી કિશોરીઓ-દર્દિ બહેનોને આરોગ્ય-સુખાકારી અંગેની વિશેષ સમજ-માર્ગદર્શન થકી તબીબોમાં રહેલા ઇશ્વરના બીજા સ્વરૂપને સાચા અર્થમાં સાર્થક કરવાની હિમાયત કરી હતી.

ગુજરાત બાળ અધિકાર સંરક્ષણ આયોગના ડિરેક્ટર ભારતીબેન તડવીએ તેમના પ્રસંગોચિત ઉદબોધનમાં સ્વસ્થ સમાજના નિર્માણ માટે આજના ઝડપી યુગમાં “વર્કીંગ વુમેન” ની ભૂમિકા નિભાવતી બહેનોને તેમનુ કુટુંબ-સમાજ સહાયરૂપ બનીને સૌનો સહિયારો વિકાસ સધાય તે દિશામાં સંકલ્પબધ્ધ થવાનો ખાસ અનુરોધ કર્યો હતો.

બાર એસોસીએશનના પ્રમુખ વંદનાબેન ભટ્ટે તેમના વિશેષ વક્તવ્યમાં પીસી એન્ડ પીએનડીટી એક્ટ-૧૯૯૪ ની જોગવાઇઓ અંગેની જાણકારી આપતાં જણાવ્યું હતું કે, આ કાયદાના અમલીકરણમાં પ્રતિકુળ પ્રતિભાવને લીધે ૨૦૦૩ અને ૨૦૧૪ માં તેમાં જરૂરી સુધારા-વધારા સાથે તેનું અમલીકરણ સઘન બનાવાયું છે.

ક્લીનીકમાં જાતિ અંગેનું ગર્ભ પરિક્ષણ કરનારને ૩ થી ૫ વર્ષની કેદ, રૂા. ૧૦ થી ૫૦ હજાર સુધીનો દંડ અને પાંચ વર્ષ માટે જે તે તબીબનું લાયસન્સ રદ કરવા સુધીની જોગવાઇઓની પણ તેમણે સમજૂતી આપી હતી.

મુખ્ય જિલ્‍લા આરોગ્ય અધિકારી ડૉ. કે.પી. પટેલ “દિકરી દિવસ” ની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, સમાજના સર્વાંગી વિકાસ માટે સમગ્ર દેશ અને રાજ્યમાં જાતિ દરની સમતુલા જળવાય તે જરૂરી છે. ૨૦૦૧ ની વસતી ગણતરી મુજબ ૦ થી ૬ વર્ષની વયજૂથમાં રાજ્યમાં ૧૦૦૦ પુરૂષોએ ૮૮૩ સ્ત્રીનો હતો. જે ૨૦૧૧ પ્રમાણે ૧૦૦૦ પુરૂષોએ ૮૯૦ સ્ત્રીઓ થવા પામેલ છે. તે પૈકી નર્મદા જિલ્‍લામાં ૨૦૦૧ પ્રમાણે ૯૪૫ થી ઘટીને ૨૦૧૧ માં ૯૪૧ સ્ત્રીઓ નોંધાયેલ છે.

જિલ્‍લામાં પીસી એન્ડ પીએનડીટી કાયદાનું કડક અમલીકરણ થઇ રહ્યું છે. જિલ્‍લાની ક્લીનીકોનું કડક ક્રોસ ચેકીંગ કરવામાં આવે છે. આ કાયદાના ભંગ બદલ ૩ સોનોગ્રાફી મશીન સીલ કરાયેલ છે, તે પૈકી એક ક્લીનીક સામે કાયદેસરની કાર્યવાહી ચાલું છે.આજદિન સુધી ૬ મશીન સ્વૈચ્છિક સીલ કરાયેલ છે અને છેલ્લા ચાર વર્ષમાં આવા ૬ કેન્દ્રોના લાયસન્સ રદ કરેલ છે.

આ પ્રસંગે જિલ્‍લા પંચાયત પ્રમુખ દામાભાઇ વસાવા સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બે દિકરીઓ બાદ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવનાર દિકરી યોજનાના લાભાર્થી બહેનોનું સન્માન કરાયું હતું.

આ પ્રસંગે જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતેશ વસાવા, લાછરસના મેડીકલ ઓફિસર ડૉ. ઝંખનાબેન વસાવા, ૧૮૧- મહિલા અભયમના કાઉન્સેલર શીતલબેન ચૌધરીએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં યોજનાકીય સમજ આપી હતી.

Latest Stories