હાલ મુસ્લિમ સંપ્રદાયનો વર્ષભરનો અતિ મહત્વનો ગણાતો પવિત્ર માસ એટલે રમઝાન માસ ચાલી રહ્યો છે. જે ખુબ જ મહિમા ધરાવતો માસ કહેવાય છે. પવિત્ર રમઝાન માસને ધૈર્ય, સખાવત અને કસોટીનો ત્રિવેણી સંગમ સમો માસ પણ કહેવાય છે. ચાલુ વર્ષે રમઝાન માસ મેં માસના ધોમધખતા તાપમાં પ્રારંભાયેલો હોવાથી રોઝદારો માટે એક આકરી અગ્નિપરીક્ષા સમાન સાબિત થઇ રહ્યો છે. ધોમધખતા તાપની પરવાહ કર્યા વિના રોઝદારો પોતાના રબને રાજી રાખવા માટે અને પોતાના પર ફરજ થયેલા રોઝા રાખી પોતાના રબની ખુશનુદી પ્રાપ્ત કરી રહ્યા છે.
રમઝાન માસને ધૈર્યનો માસ એટલા માટે કહેવાયો છે કે આ પવિત્ર માસમાં રોઝદાર જ્યારે આખો દિવસભૂખ્યા-તરસ્યા રહે છે, ત્યારે રોઝદારના હૈયામાં ગરીબ વર્ગના લોકો કે જે આખું વર્ષ પર્યાપ્ત કમાણીના અભાવે ભૂખ અને તૃષાની અત્યંત વિકટ યાતનાઓમાંથી પસાર થતા હોય છે. તેઓની અનુભૂતિ રોઝદારને થાય છે, ત્યારે રોઝદારના હૈયામાં ગરીબ લોકો પ્રતિ ધીરજ આકાર પામે છે, તેમજ આ સમયે રોઝદારની ખરા અર્થમાં કસોટી થતી હોય છે. સૂર્યોદયથી સુર્યાસ્ત સુધી રોઝદારો પોતે અન્નજળનો સંપૂર્ણ ત્યાગ કરી પોતાના રબને રાજી કરી ધૈર્યની આકરી કસોટીમાંથી પસાર થતા હોય છે.
જ્યારે પવિત્ર રમઝાન માસને કસોટીનો માસ એટલા માટે કહેવાય છે કે ઉનાળાની આકરી ગરમી તેમજ ધોમધખતા તાપમાં પણ ચૌદ કલાકના પુરા માસના રોઝા રોઝદારો હિંમતપૂર્વક કસોટી સાથે રાખી પોતાના રબને રાજી રાખી પરલોકનું ભાથુ બાંધે છે, ત્યારે રોઝદારનું હૈયું પુલકિત થઇ ઉઠે છે અને રોઝદારો રબ તરફથી ફરજ થયેલી રોઝારૂપી કસોટીમાંથી સુખરૂપ પસાર થઇ પોતાની જાતને ધન્યતા અનુભવે છે અનેદિર્ઘ કસોટીમાંથી સફળ થયાની એક અદભૂત અનુભૂતિ પ્રાપ્ત કરે છે.
જ્યારે પવિત્ર રમઝાન માસને સખાવતનો માસ એટલે કહેવાયો છે કે ધનવાન મુસ્લિમોને ઇસ્લામ ધર્મનાઆદેશ મુજબ પુરા વર્ષ દરમિયાન પોતાના વ્યવસાયમાં કમાણી થાય છે. તે આખા વર્ષની કમાણીમાંથી જકાતરૂપે જે નાણાં કાઢવાનો આદેશ અપાયો છે. તે નાણાં અલગ કરી આર્થિક રીતે ગરીબ વર્ગના લોકોને મદદરૂપ બની ગરીબ લોકોની સહાય કરે છે. જેથી ગરીબવર્ગના લોકો પણ રમઝાન માસમાં સારૂ સારૂ પકવાન આરોગી શકે અને ઉમદા વસ્ત્રો પરિધાન કરી ઇદની ઉજવણી કરી શકે છે. એટલે જ મુસ્લિમ સંપ્રદાયના અતિ મહત્વપૂર્ણ ગણાતા રમઝાન માસને ધૈર્ય, સખાવત અને કસોટીના ત્રિવેણી સંગમ સમા માસ તરીકે ઓળખવામાં આવે છે.