-
સગીરા પર દુષ્કર્મ અને માનસિક ત્રાસથી ચકચાર
-
નરાધમ રણજીત પરમાર સામે ગુનો દાખલ
-
દવા પી જઈશ કહી સગીરાને ટોર્ચર કરતો હતો
-
પોલીસે નરાધમ રણજીતની કરી ધરપકડ
-
પીડિત પરિવારે આરોપીને કડક સજા કરવા કરી માંગ
જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં એક માસૂમ સગીરા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની અને તેને લાંબા સમયથી માનસિક ત્રાસ અપાતો હોવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.ભાવનાત્મક બ્લેકમેલ અને ધમકીઓ આપી સગીરાનું જીવવું હરામ કરનાર નરાધમ પોલીસ સકંજામાં આવી ગયો છે.
જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં રહેતી સગીરાને આરોપી રણજીત ઉર્ફે કાનો પરમાર છેલ્લા ઘણા સમયથી ટાર્ગેટ કરી રહ્યો હતો. આરોપી અવારનવાર સગીરાને ધમકીઓ આપતો અને માનસિક રીતે ટોર્ચર કરતો હતો. એટલું જ નહીં, આરોપી સગીરાના ઘરે પહોંચી જઈને ‘હું દવા પી જઈશ‘ તેમ કહીને તેને ઇમોશનલ બ્લેકમેલ પણ કરતો હતો. નરાધમના સતત ડર અને ત્રાસના કારણે સગીરા અને તેનો પરિવાર ભારે આઘાતમાં સરી પડ્યા હતા.
આખરે કંટાળીને પીડિત પરિવારે કેશોદ પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા હતા. સમગ્ર મામલે કેશોદના પી.આઈ. એમ.ડી. ચૌધરીએ ત્વરિત એક્શન લેતા સગીરાના પરિવારના નિવેદનના આધારે ગુનો નોંધી નરાધમ રણજીત પરમારની ધરપકડ કરી લીધી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી હાલમાં ઇકો કાર ડ્રાઇવિંગનું કામ કરે છે અને તે રીઢો ગુનેગાર છે, તેની સામે અગાઉ પણ પ્રોહિબિશનના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.પોલીસની તાત્કાલિક કાર્યવાહીથી પીડિત પરિવારે રાહતનો શ્વાસ લીધો છે અને કેશોદ પોલીસનો આભાર માનતા જણાવ્યું છે કે, પોલીસના સહકારથી હવે તેમની દીકરીની સુરક્ષા અંગે વિશ્વાસ ઉભો થયો છે. જોકે, ન્યાયની આશા સાથે પીડિત પરિવારે આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ ઉઠાવી છે. હાલમાં કેશોદ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
