ગુજરાતીઓને જ નહીં પરંતુ વિદેશીઓને પણ ગુજરાતી વાનગીઓ ખાવાનું પસંદ હોય છે. ત્યારે ગુજરાતની પ્રસિદ્ધ વાનગી એવી હાંડવો બનાવવામાં ટાઈમ લાગે છે. તો આજે ફટાફટ 10 મિનિટમાં રવાનો હાંડવો કેવી રીતે બનાવાય તેની રેસિપી જણાવીશું.
સોજીનો હાંડવો બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં રવો, દહીં અને ચણાનો લોટ નાખી મિક્સ કરો. તેમાં થોડુ થોડું પાણી ઉમેરી જાડુ બેટર તૈયાર કરી લો.
આ બેટરનો થોડો સમય રેસ્ટ કરવા મુકો. જો તમારે તરત જ હાંડવો બનાવવો હોય તો પણ તમે બનાવી શકો છો. હવે બેટરમાં આદુની પેસ્ટ, લાલ મરચું, ધાણા પાઉડર, હળદર, લીલા મરચા અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી મિક્સ કરો.
હવે બેટરમાં કેપ્સીકમ, દૂધી, ગાજર,મગફળી, સ્વીટ કોર્ન સહિતની વસ્તુ ઉમેરી બરાબર મિક્સ કરી લો. જો બેટર જાડુ લાગતુ હોય તો તેમાં થોડુ પાણી ઉમેરી બેટરને થોડું પાતળુ કરી લો.
હવે બેટરમાં ખાવાના સોડા ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. તેમાં રાયના દાણા, જીરું અને તલ, કઢી પત્તા નાખીને ફ્રાય કરો. ત્યારબાદ હાંડવાનું બેટર નાખો.
હાંડવાને ઢાંકીને ધીમી આંચ પર 12 મિનિટ થવા દો. હાંડવાનો રંગ ડાર્ક થવા પર 15 મિનિટ પછી તેને પલટી નાખો. હવે આ હાંડવાને પ્લેટમાં કાઢી ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો.