/connect-gujarat/media/media_files/2025/11/05/tomato-2025-11-05-12-42-59.jpg)
શિયાળાની ઋતુમાં રીંગણનો ઓળો ખાવાની મજા જ અલગ હોય છે, પરંતુ તેને બનવામાં સમય અને મહેનત બંને વધુ લાગે છે.
જો તમે કંઈક સાદું, ટેસ્ટી અને ઝટપટ બનાવવાનું વિચારી રહ્યા છો, તો ટામેટાનો ઓળો તમારા માટે એકદમ પરફેક્ટ વિકલ્પ છે.
આ રેસીપી ફક્ત 5 થી 10 મિનિટમાં તૈયાર થઈ જાય છે અને સ્વાદમાં એટલી લાજવાબ છે કે તમે રીંગણનો ઓળો પણ ભૂલી જશો. આ ટામેટાનો ઓળો ન માત્ર ટેસ્ટી છે, પણ હેલ્ધી પણ છે, અને તેની સુગંધ પણ એવી કે એકવાર ખાશો તો વારંવાર બનાવવા મન થશે.
ટામેટાનો ઓળો બનાવવાની રીત:
સૌપ્રથમ એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરો. ધીમા થી મધ્યમ તાપે તેમાં પાંચથી છ લસણની કળી અને ત્રણથી ચાર સૂકા લાલ મરચાં નાખી સોનેરી થાય ત્યાં સુધી તળી લો. પછી આ મસાલાને કડાઈમાંથી કાઢીને બાજુ પર રાખો. હવે એ જ કડાઈમાં એક પાતળી સમારેલી ડુંગળી ઉમેરો અને ધીમા તાપે સાંતળી લો. ત્યારબાદ છ મધ્યમ કદના ટામેટાં ઉમેરો, અડધા કાપીને. જરૂર જણાય તો થોડું પાણી છાંટો અને ઢાંકણ મૂકી નરમ થાય ત્યાં સુધી ચઢવા દો. જ્યારે ટામેટાં નરમ થઈ જાય, ત્યારે તેની છાલ કાઢી મિશ્રણને થોડીવાર ઠંડુ થવા દો. હવે હાથથી બધું ભેગું મસળી લો, પછી તેમાં શેકેલા અને અધકચરા વાટેલા સીંગદાણા ઉમેરો — આ વૈકલ્પિક છે, પરંતુ સ્વાદમાં ક્રંચી ટેક્સ્ચર આપે છે.
છેલ્લે તેમાં એક મુઠ્ઠીભર તાજી કોથમીર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરીને ગરમાગરમ રોટલી, ભાખરી અથવા ચપાતી સાથે સર્વ કરો. આ ટામેટાનો ઓળો માત્ર ઝટપટ જ નહીં પરંતુ એના મસાલેદાર અને તીખાશભર્યા સ્વાદથી આખા પરિવારને ગમી જશે.